ગુજરાત
News of Tuesday, 7th December 2021

લખલૂંટ ખર્ચ કરનાર પરિવારજનો માટે ચુંદડી પ્રથાને લગ્ન પ્રસંગમાં ફેરવી સમાજને એક નવી દિશા ચીંધી

પરિવારે સમાજને નવી રાહ ચીંધી :સમાજના અગ્રણીઓએ કન્યા પક્ષ અને વર પક્ષને અભિનંદન પાઠવ્યા

બારડોલી :રાજપૂત સમાજમાં સામાજિક પ્રસંગોના જૂના અને રૂઢિચુસ્ત રીતિ રિવાજોને તિલાંજલિ આપવામાં આવી રહી છે. યુવાનોમાં વધી રહેલા શિક્ષણના પ્રમાણને કારણે સામાજિક પ્રસંગોમાં થતાં લખલૂંટ ખર્ચને કેવી રીતે બચાવી શકાય તે માટેની સમજ વિકસિત થતાં રાજપૂત સમાજના અનેક પરિવારો ચુંદડી પ્રથાને લગ્ન પ્રસંગમાં ફેરવી સમાજને એક નવી દિશા ચીંધી રહ્યા છે.

ત્યારે વાલોડ તાલુકાના અંધાત્રી યુવક અને માંડવી તાલુકાના તરસાડા બાર ગામની યુવતીએ પણ મંગળવારના રોજ તેમની ચુંદડી પ્રથાને લાંગ પ્રસંગમાં ફેરવી સમાજ માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સામાજિક પ્રસંગની વિગત એવી છે કે, માંડવી તાલુકાનાં તરસાડા બાર ગામના સ્વ. અર્જુનસિંહ નાથુસિંહ મહિડા અને કુંદનબેનની પુત્રી પ્રિયાના લગ્ન વાલોડ તાલુકાનાં અંધાત્રી ખાતે રહેતા સંજયસિંહ પરમાર અને હેમલતાબેન પરમારના પુત્ર પુષ્પરાજસિંહ સાથે નક્કી થયા હતા. પ્રિયાએ એન્જીનિયરીંગમાં માસ્ટરની ડિગ્રી મેળવી હાલ તે ઉમરાખ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. જ્યારે પુષ્પરાજ એન્જીનિયરીંગમાં બેચલરની ડિગ્રી મેળવી હાલ કેનેડામાં સ્થાયી થયા છે. મંગળવારના રોજ જ્ઞાતિના રિવાજ મુજબ તરસાડા ખાતે ચુંદડી પ્રથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વરપક્ષ અને કન્યા પક્ષના લોકોએ સામાજિક રિતરિવાજોથી ઉપર ઉઠી ચુંદડી પ્રથાને લગ્ન પ્રસંગમાં ફેરવવાનું નક્કી કર્યું હતું અને ચર્ચાવિચારણા કરી તત્કાલીક શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નપ્રસંગ યોજવામાં આવ્યો હતો અને દીકરીને સાસરે વિદા કરવામાં આવી હતી. સમાજને નવી રાહ ચીંધવા બદલ સમાજના અગ્રણીઓએ કન્યા પક્ષ અને વર પક્ષને અભિનંદન પાઠવ્યા હતા.

(1:04 am IST)