ગુજરાત
News of Saturday, 8th December 2018

પહેલી મેટ્રોન ટ્રેન વસ્ત્રાલથી મણીનગરના એપરલ પાર્ક વચ્ચેના ૬ કિ.મી.ના રૂટ ઉપર દોડશેઃ નરેન્‍દ્રભાઇ મોદી લીલીઝંડી બતાવે તેવી શક્યતા

અમદાવાદ: શહેરની પહેલી મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન 15 જાન્યુઆરીની આસપાસ શરુ થઈ જાય તેવી શક્યતા છે. પહેલા ત્રણ મેટ્રો કોચ સાઉથ કોરિયાથી રવાના કરી પણ દેવાયા છે, જે 2 જાન્યુઆરી સુધીમાં અમદાવાદ પહોંચી જશે.

મુંદ્રા આવશે ત્રણ કોચ

મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણ કોચવાળી પહેલી ટ્રેન સાઉથ કોરિયાથી આવવા નીકળી ગઈ છે. ત્રણ કોચને શુક્રવારે મુંદ્રા પોર્ટ માટે રવાના કરાયા હતા.

પીએમ મોદી કરશે ઉદ્ઘાટન?

પહેલી ટ્રેન વસ્ત્રાલ ગામથી મણીનગરના એપરેલ પાર્ક વચ્ચેના કિલોમીટરના રુટ પર દોડશે. પીએમ મોદી પહેલી ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરાવે તેવી શક્યતા છે. જોકે, પેસેન્જરોએ તેમાં સવારી કરવા માટે રાહ જોવી પડશે, કારણકે ટ્રાયલ રન બાદ સેફ્ટી સર્ટિ આવ્યા બાદ તેને પેસેન્જરો માટે શરુ કરાશે.

સરકારને અપાઈ માહિતી

MEGAના એમડી આઈપી ગૌતમના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં ટ્રાયલ રન શરુ થઈ જશે. શહેરી વિકાસ વિભાગને જણાવાયું છે કે 15 જાન્યુઆરીએ ટ્રેન તૈયરા હશે, અને તે પ્રમાણે તેના લોકાર્પણનો કાર્યક્રમ રાખી શકાય છે.

કિલોમીટરનો રુટ

કિલોમીટરના પહેલા રુટ પર વસ્ત્રાલ ગામ અને એપરેલ પાર્ક સિવાય કુલ ચાર સ્ટેશન આવે છે. જેમાં નિરાંત ચોકડી, વસ્ત્રાલ, રબારી કોલોની અને અમરાઈવાડીનો સમાવેશ થાય છે.

બીજી ટ્રેન એપ્રિલ સુધીમાં આવશે

એપરેલ પાર્કથી મેટ્રો શાહપુર સુધી અંડરગ્રાઉન્ડ રુટ પર દોડશે. મેટ્રોનો ડેમો કોચ અમદાવાદમાં ઓક્ટોબર મહિનામાં આવી ગયો હતો, જેને રિવરફ્રંટ ખાતે ડિસ્પ્લેમાં રખાયો છે. બીજી ટ્રેન પણ માર્ચ એન્ડ કે એપ્રિલની શરુઆતમાં આવી જાય તેવી શક્યતા છે.

હ્યુન્ડાઈ કંપનીના કોચ

મેટ્રો ટ્રેનના કોચ હ્યુન્ડાઈ કંપની દ્વારા બનાવાયા છે, જેમને હ્યુન્ડાઈ રોટેમ લોકલ પોર્ટ ફેસિલિટી, સાઉથ કોરિયાથી મુંદ્રા પોર્ટ મોકલવામાં આવશે. 07 ડિસેમ્બરના રોજ કોચ સાઉથ કોરિયાથી નીકળી જશે, અને 31 ડિસેમ્બર સુધીમાં તે મુંદ્રા પોર્ટ આવી પહોંચશે. મુંદ્રાથી બાયરોડ તેમને અમદાવાદ લવાશે.

કુલ 40 કિમીનો મેટ્રો રુટ

અમદાવાદથી ગાંધીનગર વચ્ચે કુલ 40 કિલોમીટર લાંબી મેટ્રો લાઈન નખાઈ રહી છે, જેમાં 33.5 કિલોમીટર હિસ્સો એલિવેટેડ જ્યારે સાડા કિલોમીટર અંડરગ્રાઉન્ડ હશે.

10,700 કરોડનો પ્રોજેક્ટ

અમદાવાદ મેટ્રો રેલવે પ્રોજેક્ટની કિંમત 10,700 કરોડ રુપિયા જેટલી છે, જેમાંથી જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (JICA) દ્વારા હજાર કરોડ રુપિયાની લોન અપાઈ છે. ઈસ્ટ-વેસ્ટ તેમજ નોર્થ-સાઉધ એમ બે કોરિડોરમાં કુલ 32 સ્ટેશનો હશે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરના પશ્ચિમ છેડા પરનો બે કિલોમીટર લાંબો વાયાડક પણ તૈયાર થઈ ગયો છે, જ્યારે અન્ય પર કામ ચાલુ છે.

(4:50 pm IST)