ગુજરાત
News of Friday, 8th October 2021

નખત્રાણાના મથલ મેજર બ્રીજ પર સ્લેબમાં ગાબડું : બે મહિના ભારે વાહનો પર પ્રતિબંધ

તેની અવેજીમાં વૈકલ્પિક રસ્તાઓ પર ભારે/અતિ ભારે વાહનોને ડાયવર્ડ કરવા હુકમો કરાયો

નખત્રાણા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ, રાજય, કચ્છ-ભુજ હસ્તકના કી.મી. 36/900 થી 64/100 વચ્ચે આવેલ મથલ મેજર બ્રીજ પર ડાબી બાજુએ સ્લેબમાં ગાબડુ પડ્યુ છે. કોઇ અણબનાવ ન સર્જાય તે માટે આ મેજર બ્રીજની મરામતની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુઘી આ મેજર બ્રીજ પરથી અતિ ભારે વાહનો જેવા કે મીઠાના અતિભારે વાહનો, પવનચક્કીના અતિભારે વાહનો તથા અન્ય તમામ લોડીંગ કોમર્શીયલ ભારે/અતિભારે વાહનો પસાર ન થાય તે બાબતે પ્રતિબંઘ ફરમાવવામા આવ્યો છે. આ મેજર બ્રીજ પરથી અતિભારે/ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંઘ મુકવો જરૂરી જણાય છે. તેની અવેજીમાં નીચે મુજબના રસ્તાઓ પર ભારે/અતિ ભારે વાહનોને ડાયવર્ડ કરવા હુકમો કરાયો છે.

કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હનુમંતસિંહ જાડેજા દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ 1951ની કલમ 33(1) (B) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જીલ્લાના કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ, રાજય કચ્છ-ભુજના હસ્તકના કી.મી. 63/900 થી 64/100 વચ્ચે આવેલ મથલ મેજર બ્રીજ ઉપરથી અતિ ભારે/ભારે વાહનોને પસાર થવા ઉપર તારીખ 31/12/2021 સુઘી પ્રતિબંઘ મુકવામાં આવે છે, તેની અવેજીમાં નીચે અનુસુચી મુજબના વૈકલ્પિક રસ્તાઓ પર વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કરેલ છે.

1)લખપત તાલુકાના ભારે/અતિભારે વાહનો જેવા કે લીફરી ખાણ, ઉમરસર ખાણ તેમજ પાન્ઘ્રો ખાણ તેમજ અન્ય ખાણમાંથી આવતા ભારે વાહનોને ભુજ જવા માટે માતાના મઢ-બરંદા-વાયોર-નલીયા-દેશલપર-ભુજ થઇ આવ-જા કરી શકશે.

2)હાજીપીરના તમામ મીઠાના વાહનો તેમજ અન્ય ભારે/અતિભારે વાહનો હાજીપીર-ભીટારા-ઘોરડો-ભીરંડીયારા-લોરીયા-ભુજ થઇ આવ-જા કરી શકશે.

3)નખત્રાણા થી માતાના મઢ તેમજ દયાપર માટે એસ.ટી. બસો તથા લકઝરી બસો/વાહનો કોટડા (જડોદર)-કાદીયા નાના-ટોડીયા-ઉગેડી-માતાના મઢ રસ્તે આવ-જા કરી શકશે.

આ હુકમની અંદર ભારે/અતિભારે માલવાહક વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તેનો સમાવેશ થાય છે. આ હુકમ અન્વયે સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, દ્વીચર્ક્રી વાહનો, કાર તથા અન્ય નાના વાહનો રાબેતા મુજબ પસાર થઇ શકશે.આ પુલ બંધ થતા ઉદ્યોગોને મોટો ફટકો પડશે અને લિગ્નાઇટ ટ્રકોને નલિયા થઇને પરિવહન કરવુ પડશે જ્યારે અન્ય ઉદ્યોગને લોરીયા થઇ ભુજ આવવુ પડશે જેનાથી લાંબો ફેરો પડશે માર્ગ 2 મહિના માટે બંધ રહેશે

(11:49 pm IST)