ગુજરાત
News of Friday, 8th October 2021

NCC ના ADM જનરલ અરવિંદ કપૂરે જીતનગર NCC એકેડેમીની મુલાકાત લેતા NCC છાત્રોએ “ગાર્ડ ઓફ ઓનર” આપ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગુજરાત NCCના એડીશનલ ડાયરેક્ટર મેજર જનરલ અરવિંદ કપૂરે આજે નર્મદા જિલ્લામાં રાજપીપલા નજીક જીતનગર ખાતે કાર્યરત ગુજરાત NCC લીડરશીપ એકેડેમી (GNLA) ની લીધેલી ખાસ મુલાકાત દરમિયાન અત્રે કેમ્પમાં ભાગ લઇ રહેલા NCC છાત્રો સાથે મેજર જનરલ કપૂરે સીધો સંવાદ કરી કેમ્પ દરમિયાન છાત્રો ધ્વારા થઇ રહેલી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવવાની સાથે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મેજર જનરલ કપૂરે રાજપીપલાની આ એકેડમીની મુલાકાત દરમિયાન ગર્લ્સ હોસ્ટેલ, બોય્ઝ હોસ્ટેલ, કિચન હોલ-ડાઇનીંગ હોલ સહિતના જુદા જુદા વિભાગોની પણ મુલાકાત લઇ ઉપલબ્ધ આનુસંગિક સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું અને કર્નલ વિવેક ચતુર્વેદીની ડાયનેમીક લીડરશીપની મેજર જનરલ અરવિંદ કપૂરે સરાહના કરી હતી.

એડીશનલ ડાયરેક્ટર મેજર જનરલ અરવિંદ કપૂરનું આજે તેમની આ મુલાકાત સંદર્ભે ગુજરાત NCC લીડરશીપ એકેડેમી-જીતનગર ખાતે આગમન થતાં કેમ્પમાં ભાગ લઇ રહેલા શિબિરાર્થી છાત્રો ધ્વારા “ગાર્ડ ઓફ ઓનર” અપાયું હતું. આ પ્રસંગે રાજપીપલા NCC ના કમાન્ડીંગ ઓફિસર કર્નલ વિવેક ચતુર્વેદી પણ મેજર જનરલ અરવિંદ કપૂરની સાથે જોડાયાં હતા મેજર જનરલ અરવિંદ કપૂરે રાજપીપલાની આ NCC લીડરશીપ એકેડેમીની મુલાકાત દરમિયાન માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી તરફથી ગુજરાત NCC ની પ્રવૃત્તિઓની સમીક્ષા માટે પાંડાની અધ્યક્ષતાવાળી ગુજરાતમાં મોકલાયેલી ઉચ્ચસ્તરીય સમિતિ ગુજરાત NCC ની પ્રવૃત્તિઓથી અત્યંત પ્રભાવિત થઈ હતી અને તેમાં ગુજરાત NCC ડાયરેક્ટોરેટે પાછલા છ-સાત મહિનામાં કરેલી નોંધપાત્ર કામગીરી ગુજરાતના તમામ ગૃપ કમાન્ડર્સ, ઓફિસર્સ અને કેડેટ્સની અગ્રેસરતાની બાબત વિશેષ રહી છે, જે “વર્લ્ડ બુક ઓફ રેકોર્ડઝ” માં સ્થાન પામીને લંડનથી પ્રશસ્તિપત્ર ગુજરાત NCC ડાયરેક્ટોરેટને મળેલ છે. આ પ્રશસ્તિપત્ર ગત જુલાઈ-૨૦૨૧ માં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત NCC ને એનાયત થયેલ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

(10:29 pm IST)