ગુજરાત
News of Friday, 8th October 2021

ઇંટો પકવવાના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવીઓનાં લઘુતમ વેતનદરમાં સુધારો

વેતન ઉપરાંત જીવનનિર્વાહ આંક અનુસાર ખાસ ભથ્થુ પણ ચૂકવવાનું રહેશે.

અમદાવાદ :  રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઇંટો પકવવાના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવીઓના દૈનિક વેતનમાં સુધારો કરી લઘુતમ વેતન રૂા. ૨૯૩ ચૂકવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત વેતન ઉપરાંત જીવનનિર્વાહ આંક અનુસાર ખાસ ભથ્થુ પણ ચૂકવવાનું રહેશે. આ અંગે મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યુટ, અમદાવાદ દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક અભ્યાસ અને તારણોના આધારે માત્ર કામના કુલ કલાકો મુજબ નહીં, પરંતુ કુલ કામગીરી મુજબ મહેનતાણું ચૂકવવાનો નિર્ણય શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત જાહેર કરવામાં નવા વેતનદરો મુજબ માટી ખોદીને ઇંટો બનાવનારા તથા પકવનારાઓને પ્રતિ ૪૯૦ ઇંટો દીઠ રૂા.૨૯૩, ભરતીવાળાને પ્રતિ ૧૧૦૦ ઇંટો દીઠ રૂા.૨૭૬, ઇંટો ગોઠવનારાને પ્રતિ ૧૦૦૦ ઇંટો દીઠ રૂા.૨૭૬, તૈયાર ઇંટોનું વહન કરનારાઓને પ્રતિ ૧૦૦૦ ઇંટો દીઠ રૂા.૨૭૬ દૈનિક ભથ્થા પેટે ચૂકવવાના રહેશે.

જ્યારે મિસ્ત્રી, મુકાદમ, ડ્રાઇવર, ચોકીદાર વગેરેને દૈનિક રૂા.૨૯૩નું વેતન ચૂકવવાપાત્ર થશે. આ ઉપરાંત આ જાહેરનામું અમલમાં રહે ત્યાં સુધી પ્રતિ વર્ષ ૩૦ જૂન તથા ૩૧ ડિસેમ્બરના રોજ પૂરા થતા છ માસને ધ્યાને લઇ જીવન નિર્વાહ આધારિત ખાસ ભથ્થુ પણ અનુક્રમે ૧ ઓક્ટોબર તથા ૧ એપ્રિલના રોજથી શરૂ થતા છ માસના ગાળા માટે ચૂકવવાનું રહેશે. જેમાં વખતોવખત સક્ષમ સત્તાધિકારી ધ્વારા સુધારો કરવામાં આવશે તેમ શ્રમ અને રોજગાર વિભાગના નાયબ સચિવ ગગુભા રાજની યાદીમાં જણાવ્યું છે

(7:52 pm IST)