ગુજરાત
News of Friday, 8th October 2021

વડોદરા:સિંગાપુરની ટ્રીપ દરમ્યાન જબરદસ્તી દારૂ પીવડાવવાનો પ્રયત્ન કરનાર પતિ વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી

વડોદરા: સિંગાપુરની ટ્રીપ દરમિયાન જબરજસ્તીથી દારૂ પીવડાવવાની કોશિશ કરનાર પતિ તથા અવારનવાર શારિરીક અને માનસિક ત્રાસ આપનાર સાસુ  વિરુદ્ધ પરિણીતાએ કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે, વાપીના વાલોડ વિસ્તારમાં રહેતી હેતવી સોની (નામ બદલ્યું છે) ના લગ્ન વર્ષ 2019 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ વડોદરાના કેયુર સોની (રહે- સત્યમ પાર્ક, સંગમ ચાર રસ્તા, હરણી રોડ, વડોદરા) સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે. કેયુર ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. લગ્ન બાદ પતિ તથા સાસુ નાની-નાની વાતે ઝઘડો કરી ટોર્ચર કરતા હતા. પતિ-પત્નીની સિંગાપુરની ટ્રીપ સમયે પતિએ પત્નીને દારૂ પીવા માટે દબાણ કર્યું હતું. જેનો પ્રતિકાર કરતાં પતિએ અપશબ્દો બોલી લાફો ઝીંકી દીધો હતો. યુવતી ગર્ભવતી બનતા ઇન્ફેક્શનની સારવાર માટેનું જણાવતા સાસરિયાઓ તેને નાટક સમજતા હતા. દરમિયાન પતિએ જણાવ્યું હતું કે તું મને ગમતી નથી મારે છૂટુ જોઈએ છે. તેવી ફરિયાદના આધારે પોલીસે પતિ કેયુર તથા સાસુ પરાગીબેન વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:13 pm IST)