ગુજરાત
News of Friday, 8th October 2021

ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના હારેલા ઉમેદવારોએ ડોર ટુ ડોર મતદારોના ઘરે જઇને આભાર માન્યોઃ નવતર પહેલથી મતદારો મુંઝવણમાં મુકાઇ ગયા

‘આપ’ના કાર્યકર્તાઓના જામ-જુસ્સાથી ઇતિહાસ સર્જાશેઃ પ્રવિણ રામ

ગાંધીનગર : તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. આ ચૂંટણીમાં હારેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારે ડોર ટુ ડોર મતદારોના ઘરે જઈને આભાર વ્યક્ત કર્યો છે. વિજેતા ઉમેદવાર દ્વારા રેલી અથવા તો જાહેરસભા યોજીને મતદારોના આભાર વ્યક્ત કરતા હોય છે. ત્યારે આપ ના વિજેતા નહિ બલ્કે હારેલા ઉમેદવારે મતદારોના ઘરે ઘરે જઈને આભાર વ્યક્ત કરીને ખુદ મતદારોને મુંઝવણમાં મૂકી દીધા હતા. આ હારેલા ઉમેદવારે હાર્યા બાદ પણ મતદારોનો આભાર વ્યક્ત કરીને દેશમાં કવચિત નવતર પહેલ કરીને રાજકારણીઓને નવો રાહ ચીંધ્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ૪૪ બેઠકો પૈકી ૪૧ બેઠકો જીતીને ભાજપે ઇતિહાસ સર્જી દીધો છે. જ્યારે કોંગ્રેસ ૨ બેઠક અને આપ નો એક બેઠક પર વિજય થયો હતો. ત્યારે વોર્ડ નંબર ૧૧ માંથી ચૂંટણી લડનારા ઉમેદવાર નરેશભાઈ પટેલ હારી જવા છતાં પોતાના સાથીદારો સાથે વોર્ડમાં ડોર ટુ ડોર જઈને મતદારોને મત આપવા બદલ આભાર વ્યક્ત કરવા પહોંચી ગયા હતા.

આ અંગે આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ પ્રવિણ રામે જણાવ્યું છે કે, મારા ખ્યાલથી ચૂંટણી હાર્યા છતાં લોકો વચ્ચે ડોર તું ડોર જવું એ ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે. પરંતુ આમ આદમી પાર્ટીના ઝાબાઝ કાર્યકર્તાઓનો જોમ અને જુસ્સો જોતા મને લાગે છે કે ઇતિહાસ સર્જીને રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, મેં આ અંગે વિચાર રજૂ કર્યો હતો. ગુરૂવારે તો ગાંધીનગરના આપના ઉમેદવારે તેનું અનુસરણ પણ કરી નાખ્યું હતું. જોકે મને પણ આ વિચાર ગાંધીનગર જિલ્લાના યુવા મોરચાના -મુખ વિશ્વજીત દેસાઈએ આપ્યો હતો. આમ હાર્યા પછી પણ ડોર ટુ ડોર લોકોની વચ્ચે જઈને આભાર વ્યક્ત કરતા આમ આદમી પાર્ટીના હારેલા ઉમેદવારો પણ જનતાના દિલ જીતી ગયા છે.

(4:13 pm IST)