ગુજરાત
News of Friday, 8th October 2021

સુરતમાં જન્મદિનની પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી ચલણી નોટોનો વરસાદ કર્યો !!

ભાગાતળાવ ખાતે મોડીરાત્રે થયેલી ઉજવણીમાં કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઊડયા

સુરતમાં રાત્રિ કર્ફ્યૂ અને જાહેરનામાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. રાત્રિ કરફ્યૂ વચ્ચે ભાગાતળાવ ખાતે બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી ટપોરી તત્ત્વોએ ઠુમકા મારવા સાથે ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો. અઠવા પોલીસ સ્ટેશનના થોડા અંતરે જ જન્મદિવસ ઉજવણીમાં નામે થયેલા આ તાયફામાં કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઊડયા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોએ ચારેબાજુ ચકચાર મચાવી હતી.

મળતી વિગતો પ્રમાણે કોરોનાને કારણે રાત્રિ દરમિયાન કરફ્યૂ જાહેર કરાયો છે. ગણેશોત્સવમાં કોવિડ ગાઇડલાઇનનું કડકાઇથી પાલન કરાવવા સાથે હાલના નવરાત્રિ મહોત્સવમાં પણ રાત્રિના 12 વાગ્યા બાદ ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જોકે, પોલીસના આ જાહેરનામાનો કેટલાક અસામાજિક તત્ત્વો જ સરેઆમ ભંગ કરી છે.

બર્થ ડે સેલિબ્રેશન સહિતના પ્રોગ્રામોની ઉજવણી કરી જાહેરનામાની ઐસીતૈસી કરાઇ રહી છે. બાદમાં પોલીસ આવા તત્ત્વો સામે કાર્યવાહી પણ કરે છે. દરમિયાન છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી નોટોનો વરસાદ કરાયો હોવાના ૩ વીડિયો વાયરલ થયા છે.

આ વીડિયોમાં મૈં હૂં ડોન, તમંચે પે ડિસ્કો, એક દો તીન ચાર વગેરે જેવાં બોલિવૂડના ગીતો સ્થાનિક યુવકો બાર ડાન્સર સાથે ઠુમકા લગાવતા નજરે પડે છે. શેહ-શરમ નેવે મૂકી યુવકો બાર ડાન્સર પર ચલણી નોટો ઉડાવતા પણ વીડિયોમાં નજરે પડે છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વીડિયો ભાગાતળાવના સિંધીવાડનો છે અને પાંચેક દિવસ પહેલાં એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં મોટો સ્ટેજ બાંધી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. વીડિયોમાં ઠુમકા મારતા સુકરી અને મીંડી ગેંગના સભ્યો નજરે પડે છે.

સાથો સાથ રૂસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વીડિયોમાં દેખાય છે. કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઉડાવી બર્થ ડે સેલિબ્રેશનના નામે થયેલા આ તાયફાના વીડિયોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગની પણ પોલ ઉઘાડી પાડી દીધી છે.

(12:57 pm IST)