ગુજરાત
News of Friday, 8th October 2021

બોર્ડ સાથે શાળા પણ પોતાની રીતે પેપર કાઢી શકશે : ધો- 9થી 12ની પરીક્ષા અંગે રાજ્ય સરકારનો નિર્ણય

આગામી 18મી ઓક્ટોબરથી શરૂ થનાર ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય:વિદ્યાર્થીઓને ફાયદો થશે.

ગાંધીનગર: રાજ્યમાં આગામી 18મી ઓક્ટોબરથી શરૂ થનાર ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા અંગે ગુજરાત સરકારો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે.

પ્રથમ પરીક્ષાના પ્રશ્ન પેપર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કાઢવાનું હતું પરંતુ હવે રાજ્ય સરકારે જે તે શાળાઓ પણ પોતાની રીતે પેપર કાઢી શતે તેવો વિકલ્પ શાળાને આપ્યો છે. જે શાળાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પેપર ઉપયોગમાં લેવા માગતા હોય તો તે વિકલ્પ પણ ખુલ્લો છે અને જો શાળા જાતે જ પ્રશ્ન પેપર તૈયાર કરીને પરીક્ષા લેવા માગતી હોય તો તે વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશે.

રાજ્યના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન આ પરીક્ષા યોજાશે.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ શૈક્ષણિક કેલેન્ડરમાં ધોરણ 10 અને ધોરણ 12નાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2022થી 30 માર્ચ 2022 દરમિયાન લેવાશે. જ્યારે ધોરણ 9 અને 11નાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા 11-21 એપ્રિલ 2022 દરમિયાન લેવાશે. આ ઉપરાંત ધોરણ 9થી 12નાં વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી 18-27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. અને બીજી કસોટી 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.

(12:40 pm IST)