ગુજરાત
News of Friday, 8th October 2021

વડોદરા : હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનને પાલિતાણાથી વડોદરા લવાયો

એક સમયે જ આરોપી અશોક જૈન અને અલ્પુ સિંધી પકડાઇ જતાં અનેક તર્કવિતર્કો ઊભા થયા

વડોદરા હાઇ પ્રોફાઇલ રેપકેસમાં ભાગેડુ આરોપી અશોક જૈનની ક્રાઈમ બ્રાંચે પાલિતાણાથી વહેલી સવારે ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી હતી.બપોર બાદ તેને વડોદરા લવાયો છે અને SITએ તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમના સંયુક્ત ઓપરેશનમાં આરોપી અલ્પુ સિંધી હરિયાણાથી પકડાઈ ગયો છે. તેને પણ વડોદરા લવાશે. અલ્પુ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરની મુલાકાતે છે. એ સમયે જ આરોપી અશોક જૈન અને અલ્પુ સિંધી પકડાઇ જતાં અનેક તર્કવિતર્કો ઊભા થયા છે અને વડોદરામાં આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે.

આ પહેલાં આ કેસના અન્ય આરોપી રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. રિમાન્ડ પૂરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઊંડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને અદાલતમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. 
આ અંગે SIT ચીફ ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે અશોક જૈન ધોલેરામાં છુપાઈને બેઠો હતો. ત્યાંથી તે પાલિતાણા જૈન તીર્થની ધર્મશાળામાં ગયો હતો અને ત્યાં રહેતો હતો. તેના અમદાવાદના ભત્રીજા સાથે તેની વાતચીત ચાલુ હતી. પોલીસે અમદાવાદના ભત્રીજાની કડક પૂછપરછ કરી હતી અને અંતે તેણે અશોક જૈન પાલિતાણામાં છે એવું પોલીસને જણાવ્યું હતું. પોલીસે આજે સવારે અશોક જૈન પૂજા કરવા જતો હતો એ દરમિયાન જ તેને દબોચી લીધો હતો. 
વડોદરા શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર રહેલા આરોપી સીએ અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની 2 ટીમે રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતા અને અશોક જૈનની શોધખોળ કરી રહી હતી. બીજી તરફ રાજુ ભટ્ટને સાથે રાખીને પોલીસની ટીમ 2 વખત આજવા રોડની ડવડેક સોસાયટીમાં પહોંચી હતી અને પંચનામું કરી માહિતી મેળવી હતી. 
જૂનાગઢથી ઝડપાયા બાદ રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. રિમાન્ડ પૂરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઊડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને અદાલતમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. 
પીડિતાએ ફ્લેટમાંથી તેના એસીના પ્લગ પાસેથી સ્પાઇ કેમેરો શોધી કાઢયો હતો, જેથી આ કેમેરો કોણે લગાવ્યો હતો એ મુદ્દા પર પોલીસ તપાસ કરી રહી છે. જોકે રાજુ ભટ્ટે તેણે સ્પાઇ કેમેરો લગાવ્યો ન હતો એવું રટણ પોલીસ સમક્ષ કરી રહ્યો છે, જેથી હવે આ મામલે અશોક જૈન પકડાયો છે ત્યારે જ સ્પાઇ કેમેરો કોણે લગાવ્યો હતો એ સહિતના મુદ્દા પર વધુ માહિતી મળી શકે છે એમ પોલીસે જણાવ્યું હતું. 
સમગ્ર મામલામાં પીડિતાનો મિત્ર તરીકે બૂટલગેર અલ્પુ સિંધી હોવાનું બહાર આવ્યું હતું અને અશોક જૈનના વકીલે પણ આરોપ લગાવ્યો હતો કે અલ્પુ સિંધીએ 5 વ્યક્તિઓનાં નામનું લિસ્ટ તેમને મોકલ્યું હતું અને ત્યાર બાદ મયંક અને અલ્પુ સિંધી વચ્ચેની વાતચીત પણ વાઇરલ થઇ હતી. હાલ અલ્પુ 2 ગુનામાં વોન્ટેડ હતો, જેથી પોલીસે તેને પણ હરિયાણાથી ઝડપી પાડ્યો છે.

(11:37 am IST)