ગુજરાત
News of Friday, 8th October 2021

આખરે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી નિયુકત : રાજસ્થાની નેતા રઘુ શર્માને સોંપાઈ જવાબદારી

રઘુ શર્મા રાજસ્થાન સરકારમાં આરોગ્ય વિભાગ સાથે માહિતી અને જનસંપર્ક મંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળે છે.

અમદાવાદ :  આખરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા પ્રભારી મળ્યા છે. કેન્દ્રીય નેતાગીરીએ રાજસ્થાન કોંગ્રેસના સિનિયર નેતા રઘુ શર્માને ગુજરાતની કમાન સોંપી છે.  રાજીત સાતવના નિધન બાદ ગુજરાત કોંગ્રેસનું પ્રભારી પદ ખાલી પડ્યું હતું. ત્યારે રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસને બેઠી કરવાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.અત્રે  ઉલ્લેખનીય છે કે રઘુ શર્મા રાજસ્થાન સરકારમાં આરોગ્ય પ્રધાન પણ છે.

રઘુ શર્મા વિદ્યાર્થી જીવનથી જ રાજકારણમાં છે. રાજસ્થાન યુનિવર્સિટીના પ્રમુખ તરીકે 1986-87 માં ચૂંટાયા અને ચૂંટણીના અભાવે 30 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. રાજસ્થાન કોંગ્રેસના પ્રવક્તા પણ તેઓ રહી ચૂક્યા છે. અજમેર જિલ્લાની કેકરી વિધાનસભામાંથી બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2018 માં તેઓ લોકસભા પેટાચૂંટણીમાં અજમેરથી સાંસદ બન્યા. સચિન પાયલટના ક્વોટામાંથી ગેહલોત સરકારમાં મંત્રી બન્યા અને તે પછી ગેહલોતના સૌથી નજીકના મંત્રી બની ગયા છે. રાજસ્થાન સરકારમાં આરોગ્ય વિભાગ સાથે માહિતી અને જનસંપર્ક મંત્રી તરીકેની જવાબદારી પણ તેઓ સંભાળે છે.

અહેવાલોનું માનીએ તો રઘુ શર્મા રાહુલ ગાંધીની નજીકના નેતામાના એક છે. રઘુ શર્મા રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી તરીકે હાલમાં સક્રિય છે. રધુ શર્માને ગુજરાતની કમાન સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રઘુ શર્માને રાહુલ ગાંધી સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના ખુબ નજીકના માનવામાં આવે છે. ગુજરાતમાં આગામી વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોવું રહ્યું કે ગુજરાતમાં રઘુ શર્માનો પ્રભાવ અને રાજનીતિ કેટલી કામ લાગે છે.

રાજીવ સાતવના નિધન બાદ આ પદ ખાલી હતું. રાજ્યસભાના સભ્ય સાતવનું કોરોના ચેપને કારણે આ વર્ષે 16 મેના રોજ 46 વર્ષની વયે અવસાન થયું હતું.

(11:15 pm IST)