ગુજરાત
News of Friday, 8th October 2021

તહેવારો વેળાએ બેદરકારી દાખવી તો આવશે કોરોનાની ત્રીજી લહેર : કેન્દ્ર સરકારે સાવચેતી રાખવા આપી સલાહ

શક્ય હોય તો તહેવાર ઘરની અંદર ઉજવવામાં આવે. ભીડ જમા ન કરો અને પરિવાર અથવા સંબંધીઓ સાથે તહેવાર ઉજવવા માંગો છો તો ઓનલાઇન ઉજવો.

અમદાવાદ :  કોરોનાની ત્રીજી લહેરના જોખમને જોતા કેન્દ્ર સરકારે લોકોને સાવધાની સાથે તહેવાર મનાવવાની અપીલ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે બની શકે તો તહેવાર ઘરની અંદર ઉજવવામાં આવે. ભીડ જમા ન કરો અને પરિવાર અથવા સંબંધીઓ સાથે તહેવાર ઉજવવા માંગો છો તો ઓનલાઇન ઉજવો

કેન્દ્રએ બીજા દેશોનું ઉદાહરણ આપ્યું છે જ્યાં બેદરકારીને કારણે કોરોનાના કેસ વધ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડમાં ફેસ્ટિવલમાં જોવા મળ્યું કે ત્યાં બેદરકારી વર્તતા કેસોમાં વધારો થયો. સરકાર કહે છે કે તેમાંથી બોધપાઠ લેતા, આગામી ત્રણ મહિના માટે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.

દેશમાં દશેરા, નવરાત્રી, દુર્ગા પૂજા, ઈદ, દિવાળી, નાતાલ, નવું વર્ષ જેવા તહેવારો આવવાના છે. આગામી ત્રણ મહિના ખૂબ મહત્વના છે. સાવધાની રાખવાની છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ખૂબ કાળજી રાખવી પડશે.

અગાઉ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે લોકોને બહાર વધુ ન ફરવા માટે પણ ચેતવણી આપી હતી. હકીકતમાં વર્તમાન સમયમાં વિશ્વભરમાં લોકો પોતાના ઘરેથી ફરવા માટે નિકળી રહ્યા છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં પર્યટકો હિલ સ્ટેશને જાય છે. પર્યટન સ્થળે લોકોની ભીડ દરરોજ જોઇ શકાય છે. ICMRએ ચેતવણી આપી છે કે લોકોને ફરવાની આ ટેવના કારણે દેશમાં થોડાક જ સમયમાં કોવિડ-19ની ત્રીજી લહેર આવી શકે છે.

(9:00 pm IST)