ગુજરાત
News of Friday, 8th October 2021

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ

નવરાત્રીના પહેલા દિવસે વરસાદ તૂટી પડ્યો : નવરંગપુરા, વાડજ, ઉસ્માનપુરા, શાહપુર, કાલુપુર, બાપુનગર, પાલડી, વાસણા, વેજલપુરમાં વરસાદ પડ્યો

અમદાવાદ, તા.  : નવરાત્રીના પહેલા દિવસે અમદાવાદના અનેક વિસ્તારોમાં સાંજે ચાર વાગ્યા બાદ એકાએક જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના નવરંગપુરા, વાડજ, ઉસ્માનપુરા, શાહપુર, કાલુપુર, બાપુનગર, પાલડી, વાસણા, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેલૈયા ચિંતામાં મૂકાયા હતા. આમ તો ગુજરાતમાંથી ચોમાસુ સત્તાવાર રીતે વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ તેમ છતાંય વરસાદ ચાલુ રહેતા નવરાત્રીમાં કોઈ વિઘ્ન પડશે કે કેમ તે સવાલ ઉભો થયો હતો.

ગુરૂવારે સાંજે ચાર વાગ્યા બાદ ગાજવીજ સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન ખાતાની વેબસાઈટમાં અપાયેલી માહિતી અનુસાર, અમદાવાદમાં આજે વરસાદી માહોલ રહી શકે છે. જોકે,શુક્રવારથી વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની ખાસ શક્યતા નથી. આગામી દિવસોમાં શહેરમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રીની આસપાસ રહી શકે છે.

વખતે ગુજરાતમાં ચોમાસુ વહેલું શરુ થયું હતું, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાઈ ગયો હતો. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ ખાસ વરસાદ ના થતાં રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

જોકે, સપ્ટેમ્બરથી રાજ્યમાં ચોમાસાનું જોર વધ્યું હતું. આખો સપ્ટેમ્બર મહિનો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ ઓક્ટોબરની શરુઆતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લેવાનું શરુ કર્યું હતું. જોકે, જતાં-જતાં પણ ચોમાસુ પોતાની અસર બતાવી રહ્યું છે, જેના કારણે હજુય છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

ગયા વર્ષે કોરોનાને કારણે નવરાત્રીની ઉજવણી નહોતી થઈ શકી. વર્ષે પણ પાર્ટી પ્લોટ્સ અને ક્લબોમાં તો ગરબાને મંજૂરી નથી અપાઈ. જોકે, સોસાયટીઓમાં મોટાપાયે ગરબાના આયોજન થઈ ચૂક્યા છે. સરકારે પણ રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરબાની મંજૂરી આપી દીધી છે. પરંતુ નવરાત્રીમાં વરસાદ વિલન બનશે કે કેમ તેવો ડર ખેલૈયાઓને સતાવી રહ્યો છે.

(8:46 pm IST)