ગુજરાત
News of Monday, 8th October 2018

ગુજરાતમાં સ્વાઇન ફ્લુના પ૨ નવા કેસ નોંધાયાઃ અત્‍યાર સુધીમાં ૨૭ લોકોનો ભોગ લેવાયો

અમદાવાદ: ગુજરાત સહિત અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એ હદે પહોંચી ચૂકી છે કે, હોસ્પિટલોમાં હવે દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા નથી રહી. જેના કારણે દર્દીઓને જનરલ વોર્ડમાં દાખલ થવાની ફરજ પડી રહી છે. જનરલ વોર્ડમાં અન્ય દર્દીઓ પણ હોવાથી ગંભીર હાલતમાં રહેલા પેશન્ટોની હાલત કફોડી બની રહી છે.

દર્દીઓની સંખ્યા સતત વધવાના કારણે હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા નથી રહી. સ્વાઈન ફ્લુના મોટાભાગના દર્દીઓ સરકારી હોસ્પિટલોમાં દાખલ થતા હોય છે, પરંતુ હવે તાવ તેમજ અન્ય ચેપી રોગના દર્દીઓથી પ્રાઈવેટ હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે. પ્રાઈવેટ હોસ્પિટલોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલની ક્ષમતા પ્રમાણે બને એટલા વધુ દર્દીઓને સમાવી શકાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

રવિવારે જ ગુજરાતમાં સ્વાઈન ફ્લુના 52 નવા કેસ નોંધાયા હતા. 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધી સ્વાઈન ફ્લુને કારણે 27 લોકોના મોત થયા છે, અને 1027 કેસો પણ નોંધાઈ ચૂક્યા છે. સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના દર્દીઓને સમાવવાની ક્ષમતા વધુ હોવાના કારણે મૃત્યુઆંક ઘણો નીચો રાખવામાં સફળતા મળી છે. જો વહેલું નિદાન થઈ જાય તો સ્વાઈન ફ્લુ મટી જવાની શક્યતા વધુ રહે છે.

(5:42 pm IST)