ગુજરાત
News of Saturday, 8th September 2018

કેન્‍યાની સરકારે લાગુ કરેલા નવા કાયદાના કારણે કચ્‍છીમાડુઓ બેન્‍કોમાંથી રૂપિયા ઉપાડવા લાગ્યા….

અમદાવાદઃ દેશમાં જેમ વેપાર માટે ગુજરાતીઓ ઓળખાય છે તેમ બેંકોમાં લાખો-કરોડોની ડિપોઝિટ માટે કચ્છમાં આવેલ લગભગ તમામ બેંક ઓળખાય છે. અહીં આવેલી વિવિધ બેંકોની બ્રાંચ તેમની દેશભરની જુદી જુદી બ્રાંચો વચ્ચે કદાચ સૌથી ધનાઢ્ય બ્રાંચ હોઈ શકે છે. પણ પાછલા એક ક્વાટરથી જે થઈ રહ્યું છે તે જોતા ક્યાંક એવું બની જાય કે બેંકો સૌથી વધુ ડિપોઝિટ ધરાવતી બ્રાંચમાંથી સૌથી ઓછી ડિપોઝિટ ધરાવતી બ્રાંચ બની જાય.

ગુજરાતની સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના રિપોર્ટ મુજબ 2018ના બીજા ત્રિમાસિક ગાળા એપ્રિલ-જૂન વચ્ચે વિદેશોમાં વસતા ગુજરાતીઓએ તેમના રુ.430 કરોડ રુપિયા ઉપાડી લીધા છે. જેના કારણે કચ્છની બેંકમાં જમાં રુ. 12,302 કરોડ રુપિયાની થાપણ રુ. 11,872 કરોડ પર પહોંચી ગઈ છે. આમ થવા પાછળનું કારણ કેન્યમાં વસતા ગુજરાતીઓ છે. કેમ કે ત્યાંની સરકારે નવા લાગુ કરેલા કાયદા મુજબ કેન્યા બહાર રહેલી તેમની સંપત્તિ પર ટેક્સ અથવા દંડ લાગી શકે છે.

જોકે બેંક અધિકારીઓનું કહેવું છે કે ગત ડિસેમ્બર 2017થી અત્યાર સુધીમાં બેંકમાં જમા કરવામાં આવેલ ડિપોઝિટમાં 1000 કરોડ જેટલો ઘટાડો નોંધાયો છે. જે પૈકી મોટાભાગની ડિપોઝિટનો ઉપાડ ભુજ અને માંડવી તાલુકમાં જોવા મળ્યો છે. જ્યાંથી મોટાભાગના લોકો કેન્યા સહિતાના આફ્રિકન દેશોમાં સેટલ થયા છે. કેન્યન સરકારની ટેક્સ એમ્નેસ્ટી સ્કિમ અંતર્ગત તમામ ટેક્સ ચૂકવતા લોકોએ ફોરેનમાં રહેલી તેમની સંપત્તિ જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે.

જેમાં ડેડલાઈન પસાર થઈ ગયા પછી જાહેર કરવામાં આવેલ કે સરકારી તપાસમાં સામે આવેલ સંપત્તિ પર ટેક્સ ઉપરાંત વધારાનો દંડ લાગી શકે છે. ડેડલાઈન પહેલા 30 જૂન 2018 હતી જે હવે વધારીને 31 ડિસેમ્બર 2018 કરી દેવામાં આવી છે. કેન્યા ખાતે રહેતા ઉદ્યોગપતિ નરેન્દ્ર રાવલે કહ્યું કેસજો ડેડલાઇન પહેલા કોઈ સંપત્તિ જાહેર નહીં કરે તો ત્યારબાદ મળી આવેલ સંપત્તિ પર કુલ 10 ટકા જેટોલ દંડ લાગી શકે છે.’

ઉલ્લેખનયી છે કે આફ્રિકન દેશોમાં ગુજરાતના કચ્છથી ગયેલા અનેક વેપારીઓ પેઢીદર પેઢી વેપાર કરતા આજે મોટા ઉદ્યાોગપતિ બની ગયા છે. જેઓ અત્યાર સુધી તેમની આવકનો ઘણો ભાગ કચ્છની બેંક્સમાં ડિપોઝિટ કરાવતા હતા. જેના પર વિવિધ બેંક ખાસ NRGs માટે વિશેષ સ્કિમ પણ ચલાવતી હતી. જેમાં ખાસ કરીને કચ્છના બલાડિયા, માધાપર, કૈરા, નાનપુરા, સુખપર, સામાત્રા, કોડકીસ ભારાસર, રામપર વેકરા અને માનકુવા જેવા ગામડાઓની બેંકોમાં 100 કરોડથી લઈને 1000 કરોડ જેટલી રકમ ડિપોઝિટ તરીકે પડી છે.

(6:03 pm IST)