ગુજરાત
News of Monday, 8th August 2022

હિંમતનગરમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો : નીચાળવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા; ઘણી દૂકાનોમાં પાણી ઘુસ્યા: ભારે હાલાકી

સોસાયટીમાં પાણી ભરાતા રહીશોના પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા

અમદાવાદ :  હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ રહ્યો છે. ખાસ કરીને સાબરકાંઠાના હિંમતનગરમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડતા હિંમતનગર પાણી પાણી થઈ ગયું હતું. સતત વરસાદથી ઘણી દૂકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. તો દુકાનદારોના માલ સામાનને પણ નુકસાન થયું હતું. વેપારીઓનુ કહેવુ છે કે, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી વેપારીઓને ભોગવવુ પડે છે. કારણ કે વરસાદી પાણી ભરાયેલા હોવાથી ગ્રાહકો પણ આવતા નથી

 હિંમતનગર ના પાણપુર ગામમાં ભારે વરસાદને લઈને વરસાદી પાણી દુકાનોમાં ઘુસ્યા હતા. જેના કારણે દુકાનદારો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દુકાનોમાં કોઈ ગ્રાહકો પણ આવતા ન હતા. જેથી દુકાનદારોને નુકસાન થઈ રહ્યુ છે. અનેક રજુઆતો કરવા છતા પણ કોઈ નિવેડો આવતો નથી કારણ કે પાણી નીકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને લઈને આ રીતની સમસ્યા છેલ્લા ૩ વર્ષથી સ્થાનિકો અને દુકાનદારો ભોગવી રહ્યા છે.
ભારે વરસાદથી હિંમતનગરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. સતત વરસાદના કારણે મહાવીરનગરમાં મેના પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોસાયટીમાં પાણી ભરાતા રહીશોના પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા હતા. તો કેટલાક વાહનોને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નીકાલની વ્યવસ્થા ન હોવાથી આવી સ્થિતિ બનતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. હિંમતનગરમાં સવારે બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ થયો હતો. સ્થાનિકોનુ કહેવુ છેકે, ફક્ત સાડા ત્રણ ઈંચ વરસાદમાં આ સ્થિતિ બની છે તો વધુ વરસાદ થાય તો બોટ લઈને બહાર નીકળવુ પડે તેવી સ્થિતિ છે. આજે પડેલા વરસાદ બાદ રહીશોને પોતાના સ્કૂલે ગયેલા બાળકોને ખભે બેસાડીને લાવવા પડ્યા હતા

(11:34 pm IST)