ગુજરાત
News of Monday, 8th August 2022

સાયન્સ અને ટેકનોલૉજી વિભાગની વધુ એક સિદ્ધિ :ઇસરો દ્વારા સ્પેસ ટ્યુટર તરીકે રાજ્યની ગુજકોસ્ટને માન્યતા અપાઈ

ગુજકોસ્ટને દેશના કુલ ૨૮ રજિસ્ટર્ડ સ્પેસ ટ્યુટરમાં સ્થાન : ગુજકોસ્ટ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો, સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી અવકાશ વિજ્ઞાનના જાગૃતિ કાર્યક્રમો અને આઉટરીચ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરશે

ગાંધીનગર :રાજ્યમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને વિજ્ઞાન સાથે સાંકળવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર નવી નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. વિજ્ઞાનમાં નાગરિકોનો વધુને વધુ રસ કેળવાય તેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી સાયન્સ અને ટેકનોલૉજી વિભાગે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોમાં અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિશે જાગૃતિ લાવવા અને તેઓને સ્પેસ એજ્યુકેશનથી શિક્ષિત કરવા, સાંકળવા અને ઉત્સાહિત કરવા માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ને અવકાશ શિક્ષણ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોના સ્પેસ ટ્યુટર તરીકે માન્યતા મળી છે એમ ગુજકોસ્ટની યાદીમાં જણાવાયું છે.

દેશની પ્રતિષ્ઠિત અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ સ્પેસ ટ્યુટર નામનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે. જે અંતર્ગત દેશમાં કુલ ૨૮ સ્પેસ ટ્યુટર નોંધાયા છે. જેમાં ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત સંસ્થા ગુજકોસ્ટે સ્પેસ ટ્યુટર તરીકેની માન્યતા પ્રાપ્ત કરી યશકલગીમાં વધુ એક નવો અધ્યાય ઉમેર્યો છે.
ગુજકોસ્ટ સમગ્ર રાજ્યમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSC), સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રો (CSC)નું મજબૂત નેટવર્ક ધરાવે છે. જે સમાજના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની સમજ અને જાહેર જોડાણ માટે સમર્પિત છે. ઇસરોના સ્પેસ ટ્યુટર તરીકે ગુજકોસ્ટ તેના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો અને સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી અવકાશ વિજ્ઞાનના જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરશે અને આઉટરીચ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરશે. તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકો સ્પેસ ટેક્નોલોજીમાં રસ-રૂચિ દાખવે તેવા પ્રયત્નો કરશે.

(7:40 pm IST)