ગુજરાત
News of Monday, 8th August 2022

સુરતના ફૂલવાડી ભરીમાતા રોડ પર બંધ દુકાનોના નામે ગ્રૅનું કાપડ ખરીદી વૃદ્ધ વિવર સાથે 16 લાખની ઠગાઈ આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત, : સુરતના ફૂલવાડી ભરીમાતા રોડ ખાતે કારખાનું ધરાવતા વૃદ્ધ વિવરને ફોન કરી બે દલાલે બંધ દુકાનોના વેપારીઓના નામે ગ્રે કાપડ મંગાવી અન્ય સાથીની મદદથી તે સગેવગે કરી રૂ.16.89 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ પાટીયા ગોરાટ રોડ સુકુન રો હાઉસ ઘર નં.14 માં રહેતા 62 વર્ષીય સૈયદ અલી સૈયદ હસન કાદરી ફૂલવાડી ભરીમાતા રોડ ઓનેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અલ-સાદાત ટેક્ષટાઇલ્સના નામે લુમ્સનું કારખાનું ધરાવે છે. છ મહિના અગાઉ તે પેમેન્ટ માટે રીંગરોડની સુરત ટેક્ષટાઈલ માર્કેટમાં ગયા હતા ત્યારે તેમની ઓળખાણ બે દલાલ પ્રતાપસિંગ અને રવિ શર્મા સાથે થઈ હતી. બંનેએ તેમની પાસે સારી પાર્ટી છે કહી વેપાર કરવાની વાત કર્યા બાદ 17 મે ના રોજ રવિ શર્માએ સૈયદ અલીને ફોન કરી રૂ.1,90,603 ની મત્તાના ગ્રે કાપડના 96 તાકા રીંગરોડ સ્થિત મહાવીર ટેક્ષટાઈલ માર્કેટમાં નવકાર એન્ટરપ્રાઈઝમાં મોકલવા કહ્યું હતું. સૈયદ અલીએ ટેમ્પોમાં તે માલ મોક્લ્યાના બીજા દિવસે દલાલ પ્રતાપસિંગે ફોન કરી રઘુકુળ માર્કેટમાં ઓમ ક્રિએશનમાં રૂ.2,82,531 ની મત્તાના 144 તાકા મોકલવા ફોન કરતા સૈયદ અલીએ ટેમ્પોમાં માલ મોકલી આપ્યો હતો. આ રીતે બંને ફોન કરી વેપારીને ગ્રે કાપડ મોકલવા કહેતા અને સૈયદ અલી ટેમ્પોમાં માલ મોકલતા હતા. દશ દિવસ દરમિયાન બંનેએ કુલ રૂ.16,89,378 ની મત્તાના ગ્રે કાપડના 840 તાકા મોકલ્યા હતા.સૈયદ અલીએ રવિ શર્માને શરૂઆતમાં મોકલેલા ગ્રે કાપડના પેમેન્ટની વાત કરતા તેણે નવકાર એન્ટરપ્રાઈઝમાં જઈ લઈ લેવા કહેતા સૈયદ અલી ત્યાં ગયા તો દુકાન બંધ હતી. બીજા દલાલ પ્રતાપસિંગને પણ પેમેન્ટ માટે ફોન કરતા તેણે પણ જે દુકાને જઈ પેમેન્ટ લેવા કહ્યું તે પણ બંધ હતી.આથી સૈયદ અલીએ તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે બંને દલાલ જુદીજુદી માર્કટમાં બંધ દુકાનોના વેપારીઓની વિગત મેળવી બાદમાં તેમને ફોન કરી ગ્રે કાપડના તાકા જુદાજુદા માર્કેટમાં વેપારીને ત્યાં મોકલવા કહેતા અને જયારે ટેમ્પોચાલક માલ લઈ જતો ત્યારે તેમની ત્રીજો સાથી પિન્ટુ સોની ત્યાંથી માલ ખાલી કરી બીજા ટેમ્પોમાં લઈ જતો હતો.

(7:32 pm IST)