ગુજરાત
News of Monday, 8th August 2022

સુરતના ડિંડોલી વિસ્તારમાં બાઈક પર આવેલ ત્રણ શખ્સો ઓફિસનો નકુચો તોડી ચોરીનો પ્રયાસ કરતા સીસીટીવીમાં કેદ

સુરત: ડીંડોલીની લક્ષ્મી નારાયણ સોસાયટીમાં બાઇક પર આવેલા ત્રણ ચોરે સાંઇ મિલ્ક સેલ્સ નામની ઓફિસનો નકુચો તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે ભાડુઆત જાગી જતા ત્રણેય ચોર ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ડીંડોલીની લક્ષ્મી નારાયણ સોસાયટી વિભાગ 1 ના પ્લોટ નં. 457 માં આવેલી સાંઇ મિલ્ક સેલ્સ નામની ઓફિસમાં ગત રાતે તસ્કરો ત્રાટકયા હતા. વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં બાઇક પર ત્રાટકેલા ત્રણ ચોર થોડા અંત્તરે બાઇક પાર્ક કરી પગપાળા પરત આવી ઓફિસના દરવાજાનો નકુચો તોડયો હતો. પરંતુ ઓફિસની અંદર સૂતેલા દૂધના વેપારી અજયકુમાર પ્યારેલાલ જયસ્વાલ (ઉ.વ. 469 લક્ષ્મી નારાયણ સોસાયટી વિભાગ 1, ડીંડોલી અને મૂળ. શીવરામપુર, તા. જ્ઞાનપુર, જિ. ભદોહી, યુ.પી) ના ભાડુઆતનો છોકરો જાગી જતા ચોરી કર્યા વગર ચોર ભાગી ગયા હતા. સવારે દૂધ વેપારીનો સાળો મોહુત સુરતનારાયણ જયસ્વાલ દૂધ વેચવા આવ્યો ત્યારે નકુચો તૂટેલો જોઇ ચોંકી ગયો હતો. બીજી તરફ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ઘટના અંગે અજય જયસ્વાલે ડીંડોલી પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.

(7:32 pm IST)