ગુજરાત
News of Monday, 8th August 2022

સુરતમાં ગોડાદરા પોલીસ મથકના પીએસઆઇ શીતલબેન ચૌધરીનું પ્રેરક કાર્યઃ ડયુટી પૂર્ણ કર્યા પછી અનાથ બાળાઓને જુદી-જુદી પ્રવૃત્તિઓ શીખડાવવાની તાલીમ

નાની ઉંમરમાં 2 બાળાઓને પગભર બનતા શીખવ્‍યુ

સુરતઃ સુરતના મહિલા પોલીસ અધિકારીએ પ્રેરણાદાયી કાર્ય કરતા લોકો તેને બિરદાવી રહ્યા છે.

સામાન્ય રીતે પોલીસનું નામ આવતા જ લોકોમાં અને ખાસ કરીને બાળકોના મનમાં એક ડર જોવા મળતો હોય છે. પરંતુ સુરતના એક મહિલા PSI કે જેણે ખાખી વર્દીની ફરજ સાથે સાથે માનવ સેવાનું એક ઉમદુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને પરિવાર વિહોણા બાળકો માટે આશીર્વાદ રૂપ સાબિત થયા છે. નાની ઉંમરમાં જ બાળકીઓને પગભર બનતા શીખવ્યું છે.

પોલીસ પરિવારના પુત્રવધૂ અને અઢી વર્ષના બાળકની માતા શીતલ બેન ચૌધરી સુરતના ગોડાદરા પોલીસ મથકમાં PSI તરીકે ફરજ બજાવે છે. અને પોલીસ તરીકેની પોતાની ડ્યુટી સમાપ્ત કર્યા બાદ તેઓ અનાથ બાળકીઓને અવનવી એક્ટિવિટી કરાવી તેમના હુનરને વાંચા આપવાનો અને તેઓ પગભર થઈ શકે તે હેતુ સાથે કાર્ય કરી રહ્યા છે.

વાત કરતા PSI શીતલ ચૌધરીએ જણાવ્યું હતું કે, જે સમયે તેઓ સલાબતપુરા પોલીસ મથકમાં ફરજ પર હતા તે દરમિયાન કલમ 498 મુજબની ઘણી ફરિયાદો આવતી હતી. જેથી તેઓએ મહિલાઓની મદદ કરવા અને તેઓ આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે મહિલાઓને જ્વેલરી ફેબ્રિક ઇમિટેશન જ્વેલરી નેકલેસ સહિતની વસ્તુઓ શીખવાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તેઓને જ્યારે ઢીંકા ચીકા ચાર્લી હાઉસ ખાતે 40 જેટલી બાળકીઓનો ઉછેર કરવામાં આવે છે, તે વિશે ખ્યાલ આવતા તેઓ દર રવિવારે પોલીસ તરીકેની તેમની ડ્યુટી સમાપ્ત કર્યા બાદ અહીં આવી બાળકીઓને અવનવી પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે.

તેમાં તેમના બહેન પણ તેમને સાથ આપી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ બાળકીઓ દ્વારા બનાવવામાં આવતી હેન્ડમેડ વસ્તુઓનું એક્ઝિબિશન પણ કરવામાં આવે છે. અને આમ તેઓને આર્થિક રીતે પગભર થવાના પાઠ પણ શીખવાડવામાં આવી રહ્યા છે.

સુરતના સલામતપુરા વિસ્તારમાં આવેલ ઢીંકા ચિકા ચાર્લી હાઉસ ખાતે 40 જેટલી પરિવાર વિહોણી બાળકીઓને દર રવિવારે PSI શીતલ ડી. ચૌધરી અને તેમના બહેન કામિનીબેન ડી. ચૌધરી અલગ અલગ ક્રાફ્ટની વસ્તુઓ શીખવાડે છે. અત્યાર સુધી તેઓએ આ બાળકીઓને દરેક તહેવાર અનુસાર ફેબ્રિક ડિઝાઇન, ફ્લાવર જ્વેલરી ડિઝાઇન, દીવડા ડેકોરેશન સહિતની અનેક વસ્તુઓ બાળકીઓને શીખવાડવામાં આવી છે. ઉપયોગ અને બાદમાં તેનું એક્ઝિબિશન કરવામાં આવે છે.

હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે PSI શીતલબેન ચૌધરી અને તેમના સિસ્ટર હેડ કોન્સ્ટેબલ મીનાબેન દ્વારા બાળકીઓને રાખડીઓ બનાવતા શીખવાડવામાં આવી હતી. અને ત્યાર બાદ રવિવારના રોજ આ રાખડીઓનું એક્ઝીબિશન રાખવામાં આવ્યું હતું.

(5:59 pm IST)