ગુજરાત
News of Monday, 8th August 2022

વડોદરામાં ડ્રગ્‍સનું વધુ પડતુ સેવન કરી લેતા યુવકનું શંકાસ્‍પદ મૃત્‍યુઃ મોતનું કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ રિપોર્ટની જોવાતી રાહત

યુવકના ઘર પાસેથી ઉંઘની ગોળીઓ, ઇન્‍સ્‍યુલિન અને ઇન્‍જેકશનો મળ્‍યા

વડોદરાઃ વડોદરામાં ડ્રગ્‍સનું વધુ પડતુ સેવન કરવાથી યુવકનું શંકાસ્‍પદ મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝના કારણે યુવકનું શંકાસ્પદ મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. શહેરના સમા ચાણક્યપૂરી વિસ્તારમાં આવેલા રાધે ક્રિષ્ણા ફ્લેટમાં યુવકનું શંકાસ્પદ મોત થયા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ યુવકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અને પોલીસે સમગ્ર મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

વડોદરાના સમા ચાણક્યપુરી પાસે આવેલા રાધે ક્રિષ્ણ ફ્લેટમાં ડ્રગ્સના ઓવરડોઝના કારણે શંકાસ્પદ મોત નિપજ્યાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગત પ્રમાણે વિવેક કરણ નામનો યુવાન રાધે ક્રિષ્ણા ફ્લેટમાં તેના માતાપિતા સાથે રહેતો હતો. યુવક ડ્રગ્સનું સેવન કરતો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. તથા યુવત તેનું વેચાણ પણ કરતો હોવાની આશંકા વ્યક્ત કરી છે. સુત્રોએ ઉમેર્યું કે, યુવકના ઘર પાસેથી ઊંઘ ની ગોળીઓ અને ઇન્સ્યુલિન તથા મોટી સંખ્યામાં ઇન્જેક્શનો મકાન પાસેથી મળી આવ્યા છે.

તો બીજી તરફ આજે મુખ્યમંત્રી શહેરની મુલાકાતે છે. અને તેમના આગમનને લઇને પોલીસ વિભાગ બંદોબસ્તમાં લાગી ગયું છે. તેવામાં ડ્રગ્સના ઓવરડોઝથી મોતનો શંકાસ્પદ કેસ સામે આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

આ અંગે સામાજીક અગ્રણી જિતેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, મારે પોલીસ કમિશ્નરને પુછવું છે કે આ ડ્રગ્સ આવે છે કેમનું ! રૂ. 200 માં એક સિરીંજ મળે છે. યુવાધન અત્યારે ડ્રગ્સના રવાડે ચઢી રહ્યું છે. અમારૂ કહેવું છે કે મોટા ડ્રગ્સ ડિલરો પર સકંજો કસો. એક સિરીંજ પકડાય કે બે સિરીંજ પકડાય તેમની સામે કાર્યવાહી કરો. સંતાનોના માતા પિતાને જાણ કરો. દર છ મહિને બાળકોના બ્લડ ટેસ્ટ કરાવીને ખુદ ચકાસો. આજે જે છોકરો ઓવરડોઝથી મરી ગયો છે. તેવા બીજા યુવક યુવતિઓએ બોધપાઠ લેવો જોઇએ.

(5:56 pm IST)