ગુજરાત
News of Monday, 8th August 2022

અમદાવાદના મેઘાણીનગર વિસ્‍તારમાં ચાર લુંટારૂઓએ આધેડનો પીછો કરીને ધક્કો મારતા માથામાં ઇજા થતા મોત

આરોપી જતીન જગલાણી, સુનિલ યાદવ, મયુર સિંધી અને સાહિલ સિંધીએ મૃતકના ગળાનો સોનાનું લોકેટ, 900 રૂપિયા સહિતની લુંટ ચલાવીઃ ધરપકડ

અમદાવાદઃ અમદાવાદના મેઘાણીનગર વિસ્‍તારમં રામકુમાર ઠાકુર અને ચારેય આરોપીઓ સાથે ઝપાઝપી થતા મૃતક દિવાલ કુદી ભાગવા જતા આરોપીઓએ ધક્કો દેતા નીચે પટકાતા મૃત્‍યુ પામ્‍યા હતા. બાદમાં આ ચારેય આરોપીઓએ ગળાનું સોનાનું લોકેટ અને 900 રૂપિયા લુંટી ફરાર થઇ ગયા હતા. પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી ત્રણ આરોપીને ઝડપી લીધા છે.

રોજગારીની શોધમાં નીકળેલા આધેડ લૂંટનો ભોગ બનતા લૂંટારુઓથી બચવા જતા જીવ ગુમાવવો પડ્યો છે. મેઘાણીનગર પોલીસે લૂંટ સહિત હત્યાના ગુનામાં ચાર શખ્સ સામે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, મેઘાણીનગર પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જેમના નામ જતીન જગલાણી, સુનિલ યાદવ, મયુર સિંધીવાત છે. 2જી ઓગસ્ટના રોજ મોડી રાતે મેઘાણીનગર વિસ્તારમાંથી મૃતક રામકુમાર ઠાકુર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આરોપીઓ જતીન જગલાણી, સુનિલ યાદવ, મયુર સિંધી અને સાહિલ સિંધીએ મૃતક રામકુમારને ઉભા રાખી ખિસ્સામાં પડેલા 900 રૂપિયા, ગળામાં પહેરલી સોનાનું લોકેટ સહિત વસ્તુઓની લુંટ ચલાવી હતી. જેમાં આરોપીઓ અને મૃતક વચ્ચે ઝપાઝપી થઈ હતી.

આ ઘટનામાં ભોગ બનનાર મૃતકે પોતાનો જીવ બચાવવા જતા ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પીછો કરી મૃતક જ્યારે દિવાલ કુદી રહ્યા હતા. ત્યારે ચારેય આરોપીઓએ મૃતકને ધક્કો મારતા મૃતક રામકુમારને માથાના ભાગ પર ઇજા પહોંચી હતી, અને રામકુમાર ઠાકુરનું મોત નીપજ્યું હતું, અને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

સ્થાનિકોએ રામકુમાર ઠાકુરનો મૃતદેહ જોતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જેમાં મેઘાણીનગર પોલીસે પ્રારંભિક તપાસમાં આકસ્મિક મોત નોંધીને મૃત્યુનું કારણ તપાસવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઇજા થયાના કારણે મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું.

મેઘાણીનગર પોલીસ માટે પડકાર એ હતો કે મૃતક કોણ છે? મૃતક ઘટના સ્થળે કઈ પરિસ્થિતિમાં પહોંચ્યો? મૃતક સાથે શું ઘટના ઘટી હતી? મૃતકની હત્યા થઈ છે કે આકસ્મિક મોત છે? આવા તમામ સવાલોના જવાબ શોધવા માટે મેઘાણીનાગર પોલીસે રોડ પરના સીસીટીવી સ્થાનિકો સાથે પૂછપરછ શરૂ કરી, અને ટેકનોલોજી અને બાતમીદારો સાથે પૂછપરછ કરતા એક રીક્ષા ચાલક મળી આવ્યો હતો. જેણે મૃતક અને આરોપીઓ વચ્ચે થયેલ ઝઘડો જોયો હતો. જે આધારે વધુ તપાસ કરતા પોલીસ સામે આ જતીન જગલાણી, સુનિલ યાદવ, મયુર સિંધીવાત આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીઓએ લૂંટ અને હત્યાની કબૂલાત કરી હતી.

હત્યાની કબૂલાત સાથે આરોપીઓએ જણાવ્યું કે રૂપિયા માટે ચારેય આરોપીઓ લૂંટ કરી રહ્યા હતા તે દરમ્યાન ઝપાઝપી થતા મૃતકને રામકુમારને ધક્કો વાગતા મૃતકના માથાના ભાગે ગંભીર ઇજા થતાં રામકુમારનું મૃત્યુ નીપજયું હતું. જેમાં લૂંટની વારદાતને અંજામ આપવા જતા હત્યાનો ખેલ થઈ ગયો.

(5:52 pm IST)