ગુજરાત
News of Monday, 8th August 2022

દોઢ દશકા બાદ ગુજરાતમાં દેશ લેવલની ઓલ ઇન્‍ડિયા પ્રિઝન ડયુટી મીટ- ૨૦૨૨

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા ૬ સપ્‍ટેમ્‍બરે અમદાવાદમાં રંગારંગ પ્રારંભઃ તડામાર તૈયારીઓઃએક ડઝન જેટલી વિવિધ સ્‍પર્ધાઓ, જેલ અધિકારીઓ, જેલ સ્‍ટાફ મળી ૧૨૦૦ સ્‍ટાફ સામેલ થશે : જેલ અધિકારીઓ અને સ્‍ટાફમાં ખેલદિલીની ભાવના કેળવવા સાથે જેલ મુકિત બાદ કેદીઓને આત્‍મનિર્ભર બનાવવાના અભિયાનને બળ મળે તેઓ હેતુ... અકિલા સાથેની વાતચીતમાં રાષ્‍ટ્રિય લેવલે ગુજરાત દ્વારા થયેલ આયોજનની વિસ્‍તૃત માહિતી આપી

રાજકોટ તા.૮: રાજયની જેલ સ્‍ટાફના અધિકારીઓ અને સ્‍ટાફમા ખેલદિલીની ભાવના વધવા સાથે ગુજરાતની જેલો દ્વારા થયેલ અદ્દભૂત કાર્યો બદલ રાષ્‍ટ્રિય લેવલે જે એવોર્ડ મળ્‍યા છે તેની ગરિમા ભવિષ્‍યમાં પણ ઓછી ન થાય અને રાજયની જેલોના કેદીઓ આત્‍મનિર્ભર બને તેવું વડાપ્રધાનનું સ્‍વપ્ન સાકાર કરવા જે અભિયાન ચાલે છે તેને જેલ અધિકારીઓ અને સ્‍ટાફ વધુનેવધુ બળવત્તર બનાવે તે માટે ૧૫ વર્ષ બાદ દેશ લેવલની જેલ અધિકારીઓ સ્‍ટાફ માટે રમત ગમત સ્‍પર્ધા યોજાવાની છે અને તેનું ઉદ્ધઘાટન કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા થનાર છે.

 ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં ગુજરાતના મુખ્‍ય જેલ વડા સિનિયર આઇપીએસ ડો.કે.એલ.એન રાવ જણાવે છે કે એક ડઝન જેટલી રમત ગમત સ્‍પર્ધામાં ૧૨૦૦ જેટલા જેલ અધિકારીઓ અને સ્‍ટાફ સામેલ થશે.

તા ૪ સપ્‍ટમ્‍બરે અમદાવાદ ખાતે કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ હસ્‍તે પ્રારંભ થનાર આ અનોખી સ્‍પર્ધા અંગે ડો. રાવે અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે. છેલ્‍લે ૨૦૧૬માં તેલંગણા ખાતે આ મીટનું આયોજન થયુ હતું. આ વખતે આ  રાષ્‍ટ્રીય કક્ષાની મીટ ગુજરાતમાં યોજાઇ રહી છે. અમે આ મીટને લઇને તમામ પ્રકારના આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ મીટમાં કુલ ૧૨ પ્રકારની સ્‍પર્ધાઓ યોજાશે કેન્‍દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહની ઉપસ્‍થિતિમાં છઠ્ઠી ઓલ ઇન્‍ડિયા પ્રિઝન ડયુટી મીટ-૨૦૨૨મનો પ્રારંભ તારીખ ૪ સપ્‍ટેમ્‍બરના રોજ અમદાવાદના કાંકરિયા સ્‍થિત ટ્રાન્‍સટેડિયા સ્‍ટેડિયમ, એકા કલબ ખાતે કરવામાં આવશે. છઠ્ઠી ઓલ ઇન્‍ડિયા પ્રિઝન ડયુટી મીટ-૨૦૨૨માં આયોજિત થનારી સ્‍પર્ધાઓ અંગેની વાત કરતા ડો.કે.એલ.એન. રાવે કહ્યુ કે, આ મીટનાં કુલ ૧૨ પ્રકારની સ્‍પર્ધાઓ યોજાશે. વિવિધ સ્‍પર્ધાઓના આયોજનમાં રાજયનો ગૃહવિભાગ, શિક્ષણ વિભાગ આરોગ્‍ય વિભાગ, યુવા, સાંસ્‍કૃતિક અને રમતગમત વિભાગ ઉપરાંત રાજયની વિવિધ યુનિવર્સિટીઓ, રમતગમત ક્ષેત્રનાં સંગઠનો તેમજ સામાજિક અને સ્‍વૈછિક સંસ્‍થાઓમાં સહભાગી બનશે.

કઇ કઇ યોજાશે સ્‍પર્ધા?

કિવઝ કોમ્‍પિટિશન, અનઆર્મ્‍ડ કોમ્‍બેટ, ફર્સ્‍ટ એડ કોમ્‍પિટિશન, હેલ્‍થ કેર કોમ્‍પિટિશન, કોમ્‍પ્‍યુટર એન્‍ડ ટેકનોલોજી કોમ્‍પિટિશન, વન મિનિટ ડ્રિલ કોમ્‍પિટિશન, પ્રિઝન બિઝનેશ મોડલ કોમ્‍પિટિશન, ફાઇન આર્ટસ એન્‍ડ મ્‍યુઝિક કોમ્‍પિટિશન, પ્રિઝન હાઇઝિન કોમ્‍પિટિશન, બેસ્‍ટ પ્રેકિટસ કોમ્‍પિટિશન, પ્રોબેશન ઓફિસર, મેડિકલ ઓફિસર એન્‍ડ વેલફેર ઓફિસર કોમ્‍પિટિશન

રમતગમતની કઇ સ્‍પર્ધા યોજાશે?

 વોલિબોલ, કબડ્ડી, ૧૦૦ મીટર મેન એન્‍ડ વિમેન, ૪૦૦ મીટર મેન એન્‍ડ વિમેન, લોંગ જમ્‍પમેન એન્‍ડ વુમેન, હાઇ જમ્‍પ મેન એન્‍ડ વિમેન સામેલ કરવામાં આવેલ છે, રાજય સરકાર પણ ખૂબ ઉત્‍સાહિત છે અને રાષ્‍ટ્રીય લેવલની સ્‍પર્ધા માટે પ્રોત્‍સાહિત કરી, સહકાર પૂરો આપી રહી છે.

(3:33 pm IST)