ગુજરાત
News of Monday, 8th August 2022

ગુજરાતમાં દર મહિને એક બાળકને ત્યજી દેવામા આવે છે ઇએમઆરઆઇના આંકડા

અમદાવાદ, તા.૮: ઇએમઆરઆઇ ૧૦૮ના આંકડાઓમાં જાહેર થયુ છે કે રાજયમાં જાન્યુઆરી મહિનાથી દર મહિને એક બાળકને ત્યજી દેવામાં આવે છે જેમાં મોટા ભાગે બાળકી હોય છે.

કેટલાક કિસ્સાઓમાં તે ગર્ભ હોય છે જયારે બાકીના કિસ્સાઓમાં બાળકોને રોડ પર અથવા જાહેર જગ્યાઓએ મુકી દેવાય છે જયાંથી તેમને બચાવીને હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. ત્યારપછી તેમને સરકાર દ્વારા ચલાવાતા ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવે છે, જયાં તેમને નિશ્ચીત સમય માટે રાખ્યા પછી દત્તક આપવા માટે ફીટ ગણવામાં આવે છે.

ઇએમઆરઆઇ ૧૦૮ના વર્ષ ૨૦૨૨ના આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે નોંધવામા આવેલ આવા ૮ બનાવોમાંથી ૫માં છોકરીઓ હતી. સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં ૪, મધ્ય ગુજરાતમાં ૨ અને પુર્વ તથા ઉત્તર ગુજરાતમાં આવા ૧-૧ બનાવો હતા.

ઘણાં કિસ્સામાં એવુ પણ જાણવા મળ્યુ છે કે બાળકીને એટલા માટે ત્યજી દેવામા આવે છે કે તેના માતા-પિતા પુત્ર ઇચ્છતા હોય છે અને સાસરીયાઓના મેણા ટોણાં સાંભળવા પડે છે. તો કયારેક કોઇ બાળકમાં ગંભીર ખામી અથવા અપંગતા હોય તો પણ ત્યજી દેવાય છે. એક બાળ સુરક્ષા અધિકારીએ કહ્યું કે અમુક કિસ્સામાં મા-બાપને શોધી કઢાય છે પણ મોટા ભાગના કિસ્સાઓમાં આ બાળકોને ઓબ્ઝર્વેશન હોમમાં જવાનો વારો આવે છે.

(1:04 pm IST)