ગુજરાત
News of Saturday, 8th August 2020

ગાંધીનગરના કુડાસણમાં સોસાયટીમાં પર્યાવરણ પ્રેમી રહીશો દ્વારા કરવામાં આવેલ વૃક્ષારોપણને અસામાજિક તત્વોએ ફેંકી દેતા રહીશોમાં રોષ

ગાંધીનગર:કુડાસણમાં આવેલી સોસાયટીમાં પર્યાવરણ પ્રેમી રહિશો દ્વારા તાજેતરમાં વૃક્ષારોપણ કરીને કંપાઉન્ડમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે મોડીરાત્રીએ અસામાજીક તત્વો દ્વારા વૃક્ષારોપણ કરાયેલાં વૃક્ષોને કાઢીને ફેંકી દેવામાં આવ્યા હતાં. આમ રહિશોમાં પ્રવૃત્તિ સામે રોષ ફાટી નીકળ્યો છે અને વનવિભાગને રજૂઆત કરવામાં આવી છે કે વૃક્ષોને કાઢીને ફેંકી દીધેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પર્યાવરણની જાળવણી બાબતે લોકો જાગૃત થયા છે ત્યારે હવે સોસાયટીઓમાં તેમજ જાહેર સ્થળો ઉપર પણ વૃક્ષારોપણ કરીને પોતાનું યોગદાન પર્યાવરણને બચાવવા માટે આપી રહ્યાં છે. ત્યારે કુડાસણમાં આવેલી સોસાયટીઓમાં સ્થાનિક રહિશો દ્વારા પણ વૃક્ષારોપણ કરીને પોતાના વિસ્તારને હરીયાળો બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. આમ વિસ્તારમાં આવેલી ઉમિયા કૃપા સોસાયટીના પર્યાવરણપ્રેમી રહિશો દ્વારા તાજેતરમાં ખાનગી નર્સરીમાંથી સારા વૃક્ષો લાવીને તેનું વાવેતર સોસાયટીના કંપાઉન્ડમાં કરવામાં આવ્યું હતું અને તેના જતનની જવાબદારી પણ રહિશોએ ઉઠાવી હતી. તો રાત્રીના સમયે અસામાજિક તત્વો દ્વારા પર્યાવરણ પ્રેમીઓએ જે વૃક્ષોનું વાવેતર કર્યું હતું તેને કાઢીને ફેંકી દેવામાં આવ્યા હતા. જેની જાણ સવારે સોસાયટીના રહિશોને થતાં પ્રવૃત્તિ સામે રોષ પ્રગટ કર્યો હતો. અસામાજિક તત્વો દ્વારા વૃક્ષોને નુકશાન કરવાની જે પ્રવૃત્તિ કરવામાં આવી છે. તે અંગે ગાંધીનગરના નગર સેવક અંકિત બારોટ દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી છે કે, સોસાયટીમાં જે અસામાજિક તત્વોએ વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સોસાયટીના રહિશોએ પણ ઘટનાને વખોડી કાઢીને કડક કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું.

(5:22 pm IST)