ગુજરાત
News of Saturday, 8th August 2020

કોરોના મહામારી સામે રોગપ્રતિકારક શકિત વધારવા યોગ-પ્રાણાયામ અસરકારક માધ્યમ : વિજયભાઈ રૂપાણી

તાલીમ પામેલ ૧૨૬ યોગ કોચ અને પાંચ હજારથી વધુ તાલીમાર્થી યોગ ટ્રેનરોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રમાણપત્ર એનાયત

રાજકોટ તા. ૮ : કોરોનાની વૈશ્વિક મહામારી સામે રોગપ્રતિકારક શકિત વધારવા યોગ-પ્રાણાયામ અસરકારક માધ્યમ હોવાનું હવે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યુ છે. તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત રાજય યોગ બોર્ડમાં  તાલીમ પામેલ રાજયના ૧૨૬ યોગ કોચ અને પાંચ હજારથી વધુ  તાલીમાર્થી યોગ ટ્રેનરોને વીડિયો કોંફરન્સના માધ્યમથી પ્રમાણપત્ર એનાયત કરતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણી આ પ્રાચીન યોગ-સાધના આરાધનાનો વ્યાપ રાજયમાં ઘર-ઘર પહોચે, સૌ તન-મનથી સ્વસ્થ નિરોગી રહી આત્માથી પરમાત્માનું અનુસંધાન યોગથી કરે તેવી સ્થિતીનું નિર્માણ હવે આપણે કરીએ, ગુજરાત દેશનું દિશાદર્શન કરતું આવ્યું છે અને આવા મોટા પ્રમાણમાં યોગ ટ્રેનર્સ-યોગ કોચના માધ્યમથી યોગ સાધનામાં જનશકિતને જોડીને સમાજ સમસ્તની સ્વસ્થતા અને આત્માથી પરમાત્મા સુધીના વ્યકિતના જોડાણમાં પણ અગ્રેસર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે યોગની પ્રવૃતિઓને વેગ મળે અને જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે વર્ષ ૨૦૧૯ થી ગુજરાત યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. આ કાર્યક્રમ અન્વયે રાજકોટ જિલ્લાના ૬ યોગ કોચ અને તેમના દ્વારા તાલીમ પામેલા ૧૪ યોગ ટ્રેનરોને કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત મહાનુભાવો સાંસદશ્રી મોહનભાઇ કુંડરિયા અને ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઈ સાગઠિયાના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરશ્રી પી.બી.પંડયા, ગુજરાત યોગ બોર્ડના સભ્ય પ્રકાશભાઈ ટીપરે તથા રાજકોટ જિલ્લા રમત ગમત અધિકારી વી. પી.જાડેજા અને પી. આર. પાંદવડરા ઉપસ્થિત રહ્યા હતા.

(2:32 pm IST)