ગુજરાત
News of Saturday, 8th August 2020

દીયોદરના અધિક મદદનીશ ઇજનેર ૪ર હજારની લાંચ લેતા આબાદ ઝડપાયા

કોરોના કાળમાં પણ હજુ ઘણા સરકારી ખાતા લાંચમાં ડીસ્કાઉન્ટ આપતા નથી!! : રોડ-રસ્તા તથા સાઇડની માટીનું કામ વિગેરે બાબતેના કોન્ટ્રાકટરનું બીલ પાસ કરવા મોટી રકમ મંગાઇ હતીઃ કેશવકુમારના અભિયાનને આગળ વધારી બોર્ડર એકમના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલે વધુ એક વિકેટ પાડી દીધી

રાજકોટ, તા., ૮: કોરોનાની મહામારીમાં  વિવિધ સરકારી ખાતા દ્વારા લાંચમાં ડીસ્કાઉન્ટ  કરવાના બનાવો અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે પરંતુ રોડ-રસ્તાના કામો જેના હસ્તક થાય છે તેવા આર એન્ડ બી વિભાગમાં ઘણા શહેર જીલ્લાઓમાં હજુ ડીસ્કાઉન્ટ સ્કીમ અમલમાં મુકી ન હોય તેમ બીલ પાસ કરવા માટે મોટી રકમની લાંચ  ચોક્કસ લાંચીયાઓ દ્વારા લેવાતી હોવાનો  કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

બનાસકાંઠા જીલ્લાના દીયોદરના અધિક્ષક મદદનીશ ઇજનેર રાહુલ કુમાર પટેલ દ્વારા રોડ-રસ્તાની સાઇડોનું માટીકામ વિગેરેના કોન્ટ્રાકટર પાસેથી રૂ.૪ર હજારની લાંચ લેતા એસીબી છટકામાં આબાદ ઝડપાઇ ગયા છે.

પાટણ હાઇવેના જાહેર રોડ ઉપર એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલના માર્ગદર્શનમાં ગોઠવાયેલ આ છટકાની કાર્યવાહી પાટણ એસીબી પીઆઇ એચ.એસ.આચાર્ય ટીમ દ્વારા ગોઠવવામાં આવી હતી. આમ ભુજ (બોર્ડર એકમ) દ્વારા એક પછી એક લાંચીયાઓની વિકેટો પાડી કેશવકુમારનું અભિયાન કૃષ્ણકુમારસિંહ ગોહીલ આગળ ધપાવી રહયા છે.

(11:44 am IST)