આણંદ પેરોલ સ્ક્વોડે ખંભાતમાં દરોડા પાડી 8 જુગારીઓને 32640ની રોકડ સાથે ઝડપ્યા
આણંદ:ના પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ગઈકાલે સાંજના સુમારે ખંભાતના શેખવાડી સુથારવાડા ખાતે આવેલા એક મકાનમાં છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૩૨૬૪૦ તથા નવ મોબાઈલ સાથે કુલ ૪૬૬૪૦નો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજના સુમારે પોલીસને હકિકત મળી હતી કે, શેખવાડી સુથારવાડામાં રહેતા નિકુંજભાઈ વિક્રમભાઈ મિસ્ત્રીના મકાનમાં યોગેશભાઈ વસંતભાઈ પટેલ બહારથી માણસો બોલાવીને પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યો છે જેથી પોલીસે છાપો મારતાં મકાનના દરવાજા પાસે ઉભેલો નિકુંજ ફરાર થઈ ગયો હતો. પોલીસે ઉપલા માળે જઈ તપાસ કરતાં આઠેક જેટલા શખ્સો ભોંયતળીયે બેસીને જુગાર રમતાં રંગેહાથે ઝડપાઈ જવા પામ્યા હતા. જેમાં યોગેશભાઈ બંસીલાલ પટેલ (ખંભાત), દિલિપભાઈ ઉર્ફે ખુમો બાબુભાઈ વાલ્મિક (જીણજ), રાહુલભાઈ રમેશભાઈ પટેલ (ખંભાત), મનુભાઈ વરવાભાઈ ભરવાડ (માલાસોની), મુકેસભાઈ મોહનલાલ કોઠારી (ખંભાત), ઘનશ્યામભાઈ ઠાકોરભાઈ પરમાર (માલાસોની), ગોપાલભાઈ મોહનભાઈ બારૈયા (ખંભાત)અને મહેશભાઈ શાંતિલાલભાઈ પટેલ હોવાનું ખુલવા પામ્યું હતુ.
પોલીસને દાવ પરથી ૧૧૭૫૦ તેમજ અંગજડતીમાંથી ૨૦૮૯૦ અને ૯ મોબાઈલ ફોન સહિત કુલ ૬૪૪૬૦નો મુદ્દામાલ મળી આવતાં જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ કાર્યવાહી હાથ ઘરી હતી.