ગુજરાત
News of Wednesday, 8th August 2018

કૌભાંડકારોએ યુકેમાં કંપનીનું રજીસ્ટ્રેશન કરાવી જાપાન, દુબઇ, અમેરીકા વિ. દેશોમાં તેના પ્રમોશનો કર્યા હતા

સતીષ કુંભાણી એન્ડ કંપનીએ હજારો લોકો સાથે છેતરપીંડીથી મેળવેલ નાણામાંથી જમીનો ખરીદી છે તે જમીન ટાંચમાં લેવાશેઃ સીઆઇડી વડા આશીષ ભાટીયા : આઇપીઓ લાવવાની જાહેરાત કરી સતીષ, દિવ્યેશ, સુરેશ અને ધવલ સુરત છોડી નાસી છુટેલઃ સીઆઇડી તપાસમાં રહસ્ય ખુલ્યું

રાજકોટ, તા., ૮: ગુજરાતમાં બહુચર્ચીત બીટકોઇન્સની બહેન જેવા બીટ કનેકટનું નામ સાંકળી બીટ કનેકટ લી. નામની કંપની આરોપી સતીષ કુંભાણી એન્ડ કંપની દ્વારા ઉભી કરી તેનું યુકેમાં રજીસ્ટ્રેશન કરાવી સુરતમાં વરાછા વિસ્તારમાં ઓફીસ શરૂ કરી અને માનવ ડીજીટલ માર્કેટીંગ નામની કંપનીના નામથી કંપની શરૂ કરવા સાથે કંપનીની વેબસાઇટ સોશ્યલ મીડીયામાં મુકી ધૂમ પ્રચાર કરાવી લોકોનેે મોટા વળતરની લાલચ આપવા સાથે રોકાણ કરાવનારને પણ પણ મોટા કમીશનની લાલચ આપી છેતરપીંડી થયાના ચકચારી મામલામાં ગુજરાતના ડીજીપી કક્ષાના સીઆઇડી વડા આશીષ ભાટીયાના માર્ગદર્શનમાં ચાલતી તપાસમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે.

અશ્વીનભાઇ વાલજીભાઇ લીંબાસીયા નામના શખ્સ દ્વારા અપાયેલ ફરીયાદમાં એવો આક્ષેપ થયો છે કે આરોપીઓએ છેતરપીંડી કરવાના ઇરાદે યુનાઇટેડ કિંગડમ ખાતે કંપની ઉભી કરી સુરતમાં ઓફીસ કરી લોકોને ૩૦ ટકા સુધી કમીશનની લાલચ આપી કરોડો રૂપીયા ખંખેરી લીધા હતા.

ફરીયાદીએ વિશેષમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે આરોપીઓ દ્વારા ર૦૧૭માં બીટ કનેકટ  કોઇનનો આઇપીઓ લવાશે તેવી મસ મોટી જાહેરાત કરવા સાથે લોકોને વિશ્વાસમાં લઇ નાણા ખંખેરવા આરોપી સતિષ કુંભાણી વિ. દ્વારા વિયેટનામ, મલેશીયા, ઇન્ડોનેશીયા વિ. દેશોમાં પ્રમોશનલો યોજાયા હતા. આટલું જ નહિ આરોપી સતિષ કુંભાણી ટવીટર અને પોતાના ફેસબુક પેઇઝમાં પણ રોકાણ કરવા માટે આકર્ષક કમીશનની જાહેરાત કરી ૩૬ર ડોલરના ભાવથી તમામ રોકાણકારોને એક સાથે બીટ કનેકટ કોઇ અન્યને રીલીઝ કરી દીધા હતા. પરીણામે અન્ય કોઇ ખરીદદાર નહી રહેતા એક જ દિવસમાં આ કોઇનનો ભાવ ર ડોલરથી નીચે લાવી દેતા હજારો રોકાણકારોના કરોડો રૂપીયા ધોવાઇ ગયા હતા. એ બીટ કનેકટ કોઇનની કિંમત આજની તારીખે પણ ૦.પ૦ ડોલરથી નીચે છે. આમ રોકાણકારોના કરોડો રૂપીયા ડુબાડી દઇ કંપનીના માલીક-ડાયરેકટર તથા પ્રમોટરો સતિષ કુંભાણી, દિવ્યેશ દરજી, સુરેશ ગોરસીયા અને ધવલ માવાણી ઓફીસ બંધ કરી સુરત છોડી નાસી ગયા છે.

આ કામના આરોપી સુરેશ ગોરસીયા તથા ધવલ માવાણીના નામે તથા તેમના સગા-સબંધીઓના નામે રોકાણકારોના નાણામાંથી સાયર ગામ (તા. કરજણ, જી. વડોદરા) તથા વિહાણ ગામ (તા. કામરેજ, જી.સુરત) ખાતે સન-ર૦૧૭માં કુલ હે.આરે ૧૩-૮૮-૦૦ ચોરસ મીટર જમીન ખરીદ કરેલ છે જે જમીન ટાંચમાં લેવાની કાયદેસરની કાર્યવાહી ચાલી રહયાનું સીઆઇડી વડા આશીષ ભાટીયાએ જણાવ્યું છે.

આ કૌભાંડમાં ભોગ બનેલા ગુજરાતના તથા અન્ય રોકાણકારો પાસે કેસ સંબંધી કોઇ માહીતી હોય કે પોતે રોકાણ કરેલ તે સબંધના દસ્તાવેજી પુરાવા સાથે આર્થિક ગુન્હા નિવારણ શાખા, સીઆઇડી ક્રાઇમ, બીજો માળ, એ-બ્લોક, બહુમાળી નાનપુરા, સુરતનો અથવા પીજી નરવાડે ડીટેકટીવ પોલીસ ઇન્સ્પેકટર (ફોન નં. ૯૮રપર ર૦૩૦૦) નો સંપર્ક સાધવા અપીલ થઇ છે. (૪.૬)

(3:54 pm IST)