ગુજરાત
News of Wednesday, 8th July 2020

માસ્ક પહેરીને બે શખ્સોએ સોનીને ત્યાંથી ચોરી કરી

માસ્કનું પ્રોટેક્શન , ચોરને નો ટેન્શન : વાડજમાં એક સોનીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા બે ગઠિયાએ માસ્ક પહેરવાના કાયદાનો ફાયદો ઉઠાવ્યો

અમદાવાદ, તા. ૦૮ : અત્યાર સુધીમાં એવી ઘટનાઓ સામે આવતી હતી કે તસ્કરો કે લૂંટારુઓ હેલ્મેટ પહેરીને કે મોઢે રૂમાલ બાંધીને ચોરી કે લૂંટને અંજામ આપતા હતા. પણ કોરોનાના કારણે માસ્ક પહેરવું એકતરફ ફરજીયાત કરાયું છે ત્યારે તેનો ગેરલાભ આ ગઠિયાઓ લઈ રહ્યા છે. વાડજમાં એક સોનીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા બે ગઠિયાઓ એ માસ્ક પહેરીને ચહેરો ન દેખાય તેમ નજર ચૂકવીને દાગીના ચોરી કરી નાસી ગયા હતા. નવા વાડજમાં રહેતા ચંદ્રકાન્ત ભાઈ સોની નવા વાડજમાં વેનિસ સોસાયટી બહાર દાગીના રીપેર કરવાની દુકાન ચલાવે છે. મંગળવારે બપોરે તેમની દુકાનમાં બે લોકો ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા.

એક શખ્શે કાળા કલરનું અને એક શખશે ડિઝાઈનવાળું માસ્ક પહેર્યું હતું. તેમાંના એકએ સોનાની ચેન બનાવડાવવાની વાત કરી મજૂરી કેટલી થશે તેમ પૂછ્યું હતું. બાદમાં અન્ય એક શખશે સોનાની ચેન જોવા માંગી હતી. તેમાંથી એક ચેન પસંદ કરી ૩૦૦ રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને ત્યાંથી પત્નીને લઈને આવું છું. તેમ કહીને નીકળી ગયા હતા. બાદમાં સોનાની ચેન પાછી ડ્રોઅરમાં ચંદ્રકાન્ત ભાઈ મુકવા ગયા ત્યારે બે ચેન ઓછી જણાઈ હતી. જેથી ચંદ્રકાન્ત ભાઈને જાણ થઈ ગઈ કે, આ બંને ગઠિયાઓ માસ્ક પહેરીને ઓળખાય નહિ તેમ ૭૦ હજારની મતાની બે ચેન ચોરી કરી ફરાર થઈ ગયા છે.  જેથી વાડજ પોલીસને જાણ કરતા પોલીસે તેઓની ફરિયાદ નોંધી આવા બે ગઠિયાઓ શોધખોળ હાથ ધરી છે.

(7:43 pm IST)