ગુજરાત
News of Wednesday, 8th July 2020

અમદાવાદના નિકોલ વિસ્‍તારમાં ખરીદી માટે ગયેલ મહિલાને બાહોપાશમાં લઇને વેપારીએ ગાલ ઉપર બચકુ ભરીને છેડતી કરીઃ મહિલાએ તમાચો મારતા છોડી દીધીઃ પોલીસ ફરીયાદ

અમદાવાદઃ શહેરનાં નિકોલ વિસ્તારમાં પંચમ મોલ પાસે આવેલા ધનરાજ નોવેલ્ટી પ્લાસ્ટિક સ્ટોર્સમાં ખરીદી માટે મંગળવારે બપોરે ગયેલી મહિલાને બાહોપાશમાં લઈ વેપારીએ ગાલ પર બચકું ભરી છેડતી કર્યાની ઘટના બની છે. દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી મહિલા પૈસા ચૂકવતી હતી. તે સમયે યુવાન વેપારીએ મહિલાને બે હાથથી જકડી બાહોપાશમાં લીધી હતી. મહિલાના ડાબા ગાલ પર આરોપીએ બચકું ભર્યું હતું.

ડઘાઈ ગયેલી મહિલાએ વેપારીને તમાચો મારી પ્રતિકાર કરતા તેનો બચાવ થયો હતો.દુકાનમાંથી બહાર આવીને મહિલાએ બનાવની જાણ પતિને કરતા આરોપી વેપારી સામે ગુનો નોંધાયો હતો.

મહિલાએ 20 દિવસ અગાઉ આ જ દુકાનમાંથી ટીફીનની ખરીદી કરી હતી. ટીફીન નાનું હોવાથી પતિએ બદલાવી મોટું લેવા મહિલાને જણાવ્યું હતું. 15 દિવસ પહેલા ટીફીન બદલાવવા ગઈ ત્યારે વેપારીએ મોટું ટીફીન ના આવ્યાનું જણાવ્યું હતું.

મહિલાને ચાર દિવસ પહેલા પણ આ જ જવાબ મળ્યો હતો. મહિલા મંગળવારે બપોરે ફરી ટીફીન બદલાવવા ગઈ ત્યારે દુકાનમાંથી પાણીની બોટલો ખરીદી હતી. આ બોટલો એક્ટિવામાં ભરાવી તે વેપારીને પૈસા આપવા દુકાનમાં ગઈ હતી. તે સમયે વેપારી મુકેશ ભવરભાઈ પ્રજાપતિએ મહિલાને બે હાથથી પકડીને તેને બાહોપાશમાં લઇ લીધી હતી. મહિલાનાં મો પર ડાબા ગાલે બચકું ભર્યું હતું.

જો કે આ મહિલાએ આરોપીને તમાચો મારતા તેણે મહિલાને છોડી દીધી હતી. બાદમાં મહિલાએ ઘરે પહોંચી સમગ્ર બનાવની જાણ પતિને કરતા નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે.

(5:27 pm IST)