ગુજરાત
News of Saturday, 8th June 2019

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માલવાહક રોપવે તૂટી પડ્યો :એક કર્મચારીને ઇજા

ક્ષમતા ચેક કરવા ટેન્કર ટ્રોલીમાં લઇ જતાં રોપ વે તૂટી પડતા ખળભળાટ

 

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માલવાહક રોપવે તૂટી પડ્યો હોવાની વાતે ખળભળાટ મચી ગયો હતો. માતાજીના મંદિર ખાતે સુવિધાના કામ અર્થે વૈકલ્પિક માલવાહક રોપ વે નો ફાઉન્ડેશન તૂટી પડ્યો હતો  જો કે સદનસીબે કોઈ મોટી જાનહાની થવા પામી હતી. એક કર્મચારીને થોડી હાથમાં તથા માથામાં ઇજાઓ પહોંચી હતી જોકે સૂત્રો પાસે થી માહિતી મળી હતી કે ક્ષમતા ચેક કરવા ટેન્કર ટ્રોલીમાં લઇ જતાં બનાવ બન્યો હતો.

  અંગે મળતી વિગત મુજબ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રી કાલીકા માતાજી મંદિરના વિસ્તૃતી કરણ અને માળખાકીય સુવિધાઓના કામો રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહ્યા છે વિકાસના કામોને લઈ ડુંગર ઉપર માલ સમાન પહોંચાડવા માટે પાવાગઢ ડુંગર માંચી ખાતે આવેલ વણઝારા વાસ ખાતે મટેરિયલ રોપવે બનાવવામાં આવ્યો છે. જે મટેરિયલ રોપવે દ્વારા પાંચ પાંચ ટન વજન બે ટ્રોલીઓ દ્વારા કાચો માલ ડુંગર ઉપર લઈ જવામાં આવે છે. જે વજનની કેપેસિટી વધારી પાંચ પાંચ ટન વજન ને બદલે દસ દસ ટન વજન કરવા માટે મેન્ટેનન્સ માટેની કામગીરી છેલ્લા દસ દિવસથી ચાલી રહી હતી જે મેન્ટેનન્સની કામગીરી આજે પૂર્ણ થતાં ટેસ્ટિંગનું કામ કરતા હતા તે દરમ્યાન રોપવે નું ફાઉન્ડેશન જમીનમાંથી ઉખડી અંદાજીત પાંચ થી સાત ફુટ ખેંચાઈ ગયું હતું. જેમાં એક કર્મચારી દિપક કુમાર ઉર્ફે દયાસિંગ અશોક પ્રસાદ મૂળ રહેવાસી. બિહારનાઓ ઈજા પામતા તાત્કાલિક હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે મટેરિયલ રોપવે ના કોન્ટ્રાક્ટર કે.સી.પટેલના કર્મચારીઓ તથા વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યુ હતું માલવાહક રોપવેની ડિઝાઇન ચંદીગઢ કંપનીએ બનાવી હતી જે ટેક્નિકલ યુનિવર્સીટીએ ડિઝાઇનને માન્યતા આપી હતી.

(11:09 pm IST)