ગુજરાત
News of Saturday, 8th June 2019

પીપરડી દારૂના અડ્ડા ઉપર રેડ કરવા ગયેલ પોલીસ પર હુમલો

રાજયમાં પોલીસ પર હુમલાના બનાવો વધ્યા : પોલીસને પણ સ્વબચાવમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી : ૮૦ જણાંના ટોળાની સામે વિધિવત ફરિયાદ

અમદાવાદ,તા.૮ : રાજયમાં પોલીસ પર હુમલાના બનાવો હવે ગંભીર રીતે વધી રહ્યા છે. ભાવનગર જિલ્લાના જેસર તાબાના પીપરડી ગામમાં દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસ આજે પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. એક તબક્કે પોલીસને સ્વબચાવ માટે પાંચ રાઉન્ડ ફાયરીંગ કરવાની ફરજ પડી હતી. પોલીસ પર સ્થાનિક બુટલેગરો હુમલાની ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર પ્રકરણમાં બાદમાં સ્થાનિક બુટલેગરો સહિત કુલ ૮૦ જણાંના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ૨૭ જણાં વિરૂધ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ પર હુમલાના બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે, પોલીસ પર ૮૦થી વધુ જણાંના ટોળા દ્વારા હુમલો કરાયો હોઇ તે પૂર્વઆયોજિત હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે હવે તપાસ શરૂ કરી છે. જેસરના પીપરડી ગામે દેશી દારૂના અડ્ડા પર જેસરના પીએસઆઇ વાઘેલા અને તેમના સ્ટાફ સાથે દરોડા પાડવા ગયા હતા. તે દરમિયાન બુટલેગરોએ પોલીસ અને તેની કાર પર અચાનક જ હુમલો કર્યો હતો. હુમલો એટલો જોરદાર હતો કે, પોલીસને એક તબક્કે બચવુ ભારે થઇ પડયું હતું. આખરે પોલીસે સ્વબચાવ માટે પાંચ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું અને ટોળાને વિખેરી કાઢયું હતું. આ ઘટનામાં પોલીસની કારને નુકાસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ વડોદરાના તરસાલી રવિ પાર્ક ચાર રસ્તા પાસેના પાનના ગલ્લા પર સોમવારે રાત્રે સિવીલ ડ્રેસમાં દરોડો પાડવા ગયેલા તરસાલી ચોકીના પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા સાથે વેપારીના પુત્રની ઝપાઝપી થયા બાદ ટોળકીએ સર્વિસ રિવોલ્વર ખૂંચવવાની કોશિશ કરતા પીએસઆઇએ ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ ફાયરીંગમાં વેપારીના પુત્ર સિમીત પ્રજાપતિને પેટમાં ત્રણ ગોળી વાગતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પીએસઆઇ દ્વારા સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરીંગની ઘટનાને લઇ ભારે ચકચાર મચી ગઇ હતી. તો બાદમાં ખુદ પીએસઆઇ ચુડાસમાએ જ ઇજાગ્રસ્ત યુવક સહિતના લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં સમગ્રમ મામલો ગરમાયો હતો.

(9:08 pm IST)