ગુજરાત
News of Friday, 8th June 2018

અમિત શાહ અને જતિન પટેલ વચ્ચે ચેરમેનપદ માટે હુંસાતુંસી

કોંગ્રેસે પણ ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા : સ્ટેન્ડીંગના કુલ ૧૨ સભ્યો માટે ભાજપ હાઇકમાન્ડ દ્વારા ૧૫ નામો જાહેર થયા : અમ્યુકોમાં ૧૪મી જૂને ચૂંટણીજંગ

અમદાવાદ,તા.૮ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગામી તા.૧૪ જૂને સવારે ૧૧-૦૦ વાગ્યે મળનારા મ્યુનિસિપલ બોર્ડમાં શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના બાર સભ્યોની ચૂંટણી યોજાશે. આ વખતે રોટેશન મુજબ અમદાવાદને મહિલા મેયર મળવાનાં હોઇ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદ માટે મ્યુનિસિપલ ભાજપના સિનિયર અને જુનિયર પુરૂષ કોર્પોરેટર વચ્ચે ગળાકાપ સ્પર્ધાત્મક માહોલ જામ્યો છે. ખાસ કરીને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનપદ માટે પૂર્વ મેયર અમિત શાહ અને રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીના ચેરમેન જતીન પટેલ વચ્ચે ભારે હુંસાતુંસી અને સીધી સ્પર્ધા મનાઇ રહી છે. અમ્યુકોમાં આજે સવારના દશ વાગ્યાથી સ્ટેન્ડિંગ કમિટીના કુલ બાર સભ્યોની નિમણૂક માટેના ઉમેદવારીપત્ર ભરાવવાની શરૂઆત થઇ ગઇ હતી, જે આગામી તા.૧૦ જૂનની સાંજના પાંચ વાગ્યા સુધી ઉમેદવારીપત્ર ભરવાનાં છે, જો કે, આજે જ ભાજપ-કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થઇ જવાનું હોઇ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદ માટે પૂર્વ મેયર અને વાસણાના કોર્પોરેટર અમિત શાહ અને રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન અને ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલ વચ્ચે અંતિમ ટક્કર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેરના પ્રથમ નાગરિક તરીકે મેયરનો હોદ્દો ગૌરવભર્યો છે, પરંતુ પ્રજાની સામાન્ય સુખાકારીનાં કામ કહો કે વિકાસલક્ષી પ્રોજેક્ટ ગણો, પરંતુ કરોડો રૂપિયાનાં કામ છેલ્લી મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં આવતાં હોઇ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો હોદ્દો મેયર કરતાં પણ વધુ શક્તિશાળી છે એટલે ઓક્ટોબર-ર૦૧પમાં આવેલા ભાજપના વર્તમાન શાસકોની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતી હોઇ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદ માટે મ્યુનિસિપલ ભાજપના પુરૂષ કોર્પોરેટરોમાં જબરદસ્ત હરીફાઇનો માહોલ છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ૧ર સભ્ય માટે ૧૫ કોર્પોરેટરનાં નામની જાહેરાત કરાઇ છે, જો કે આ ૧૬ કોર્પોરેટર પૈકી ચાર કોર્પોરેટર 'ડમી' ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઊભા રહેશે અને મતદાનના દિવસે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેશે. હાલની સ્ટેન્ડિંગ કમિટીના બાર સભ્ય પૈકી એકમાત્ર સભ્ય ડૉ.ચંદ્રાવતીબહેન ચૌહાણના નામને રિપીટ કરી હાઇકમાન્ડ દ્વારા જાહેરાત કરાઇ છે. બાકીના ગૌતમ પટેલ, ગૌતમ કથીરિયા, ગયાપ્રસાદ કનોજિયા, ગિરીશ પ્રજાપતિ વગેરે સભ્યો પૈકી કોઇને રિપીટ કરાયા નથી. કોંગ્રેસ દ્વારા જમાલપુરના અઝરાજબીન કાદરી, અમરાઇવાડીના જગદીશ રાઠોડ અને ભાઇપુરા-હાટકેશ્વરનાં ઇલાક્ષીબહેન પટેલ એમ ત્રણ સભ્યના નામની જાહેરાત કરાઇ હોઇ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની નિમણૂક માટે ચૂંટણી યોજવી ફરજિયાત બની છે.

ભાજપ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં કોંગ્રેસને પ્રતિનિધિત્વ અપાતું ન હોઇ આ ચૂંટણી માત્ર ઔચારિકતા બની રહેશે, કેમ કે શહેરમાં કુલ ૧૯ર કોર્પોરેટર હોઇ તે પૈકી ભાજપના ૧પ૧ અને કોંગ્રેસના માત્ર ૪૧ હોઇ બહુમતીના આધારે ભાજપના સભ્યો જ ચૂંટાઇ આવશે.

(8:58 pm IST)