ગુજરાત
News of Friday, 8th June 2018

ચાંદખેડામાં ભેખડ ધસી પડતાં ત્રણ શ્રમજીવીઓના કરૂણ મોત

સ્પંદન હાઇટ્સ સ્કીમના કામ વેળા ભેખડ ધરાશાયી : ગંભીર ઘાયલ અન્ય એક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ : બિલ્ડરની ચૂક જણાશે તો ફરિયાદ દાખલ કરાશે

અમદાવાદ,તા. ૮ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્પંદન હાઇટ્સ સાઇટ પર આજે અચાનક ભેખડ ધસી પડતા ઘટનાસ્થળે કામ કરી રહેલા શ્રમજીવીઓ સહિત કુલ ૪ લોકો દટાઈ ગયા હતા, જેમાં ત્રણ શ્રમિકોના કરૂણ મોત નીપજયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો બીજીબાજુ, ત્રણ શ્રમજીવીઓના કરૂણ મોતને લઇ ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ અન્ય એકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ સમગ્ર બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરી હતી. ચોંકાવનારી વાત તો એ હતી કે, બિલ્ડર કે કોન્ટ્રાકટરે આ ઘટનાને લઇ પોતાની જવાબદારી સ્વીકારવામાંથી હાથ ઉંચા કરી દીધા હતા. બિલ્ડરના માણસો તો, ઘટનાસ્થળેથી ગાડીમાં બેસીને નફ્ફટાઇપૂર્વક ભાગી ગયા હતા, જયારે બિલ્ડર સુરેશ શાહે ઘટના અંગે પોતાના કોન્ટ્રાકટર પર જવાબદારી ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.  પ્રઆ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્પંદન હાઇટ્સ સ્કીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જયાં આજે સવારના લગભગ ૧૦ વાગ્યાની આસપાસ અચાનક માટીની મોટી ભેખડ ધસી પડી હતી. અચાનક જ ભેખડ ધસી પડતાં સાઇટ પર કામ કરી રહેલા ચાર જેટલા શ્રમજીવીઓ તેમાં દટાઇ ગયા હતા. ઘટનાસ્થળે હાજર અન્ય લોકોએ તાત્કાલિક તેઓને બચાવવાના પ્રયાસ કર્યા હતા અને બીજીબાજુ તાત્કાલિક ફાયરબ્રિગેડ અને પોલીસમાં જાણ કરી હતી. જો કે, બચાવ કામગીરી હાથ ધરાય તે પહેલાં જ ભેખડમાં દટાઇ જવાના કારણે ત્રણ શ્રમજીવીઓના તો ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા, જયારે અન્ય એકને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. દરમ્યાન ફાયબ્રિગેડના જવાનો સહિત તંત્રના માણસો દ્વારા ત્રણ શ્રમજીવીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસનો સ્ટાફ અને કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હૈયાધારણ આપી હતી કે, જો આ સમગ્ર મામલામાં બિલ્ડરની ભૂલ હશે તો તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. પોલીસ તેની રીતે કાયદેસર અને તટસ્થ તપાસ હાથ ધરશે.

(8:13 pm IST)