ગુજરાત
News of Friday, 8th June 2018

JEE એડવાન્સ માટે સાત રાઉન્ડમાં કાઉન્સિલિંગ હશે

૧૦મી જૂને જેઇઇ એડવાન્સનું પરિણામ : ૧૫મીથી કાઉન્સિલીંગ : ૨૭મી જૂને બેઠકોની ફાળવણી

અમદાવાદ,તા.૮ : આઇઆઇટી જેવી દેશની ટોચની ગણાતી કોલેજોમાં એડમિશન માટે  લેવાતી જેઇઇ એડ્વાન્સનું પરિણામ ૧૦ જૂને જાહેર થઇ રહ્યું છે ત્યારે જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (જોસા)એ આઇઆઇટી અને એનએનઆઇટી પ્લસ સિસ્ટમ માટે શેડયુલ જાહેર કરી દીધું છે. દેશની ર૩ આઇઆઇટી, ૩૧ એનઆઇટી, ર૩ ટ્રિપલ આઇટી અને ર૩ જેએફઆઇટી સંસ્થાઓ માટે કાઉન્સેલિંગ કરાશે. કાઉન્સેલિંગની આ સમગ્ર પ્રક્રિયા સાત રાઉન્ડમાં હાથ ધરાશે. જેઇઇ એડવાન્સના પરિણામને લઇ વિદ્યાર્થી અને વાલીઓમાં પણ ભારે ઉત્તેજના છવાઇ છે. વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન અને ચોઇસ ફીલિંગ રાઉન્ડ તા.૧પથી રપ જૂન સુધી થશે. ત્યારબાદ તા. ૧૯ અને પછી તા.ર૪ જૂને પહેલું અને બીજું મોક એલોકેશન જાહેર કરવામાં આવશે. તા.ર૭ જૂને પહેલા તબક્કાનું સીટ એલોકેશન કરવામાં આવશે. તા.ર૮ જૂનથી ર જુલાઇ દરમિયાન એલોટેડ રિર્પોટિંગ સેન્ટર પર વિદ્યાર્થીઓએ ડોકયુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. તા.૩ જી જુલાઇએ બીજો રાઉન્ડ, ૬ જુલાઇએ ત્રીજો રાઉન્ડ, ૯ જુલાઇએ ચોથો રાઉન્ડ, ૧ર જુલાઇએ પાંચમો રાઉન્ડ અને ૧પ જુલાઇએ છઠ્ઠો રાઉન્ડ યોજાશે. ચોઇસ ફીલિંગમાં વિદ્યાર્થીએ કોલેજની પસંદગી ઘટતા ક્રમમાં કરવાની રહેશે. એક વાર તેને લોક કર્યા બાદ ફરી તેમાં વિદ્યાર્થી ફેરફાર કરી શકશે નહીં. આઇઆઇટી જેવી દેશની ટોચની ગણાતી કોલેજોમાં એડમિશન માટે જેઇઇ એડ્વાન્સ લેવાય છે. તા.ર૦મી મેના રોજ લેવાયેલી પરીક્ષામાં ૧.૬૪ લાખ વિદ્યાર્થીઓએ જેઇઇ એડ્વાન્સ પરીક્ષા આપી હતી. ગુજરાતમાંથી પ,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશમાં ૧૯ આઇઆઇટીમાં ૧૭,૦૦૦ બેઠકો છે. જેનું ઊંચા લેેવલનું મેરિટ બને છે. રવિવાર તા.૧૦ જૂને રાજ્યના પ,૦૦૦ વિદ્યાર્થીનું જેઈઈનું પરિણામ જાહેર થશે. દેશની ટોપ લેવલની ૧૦૦ સંસ્થાઓમાં ૬૦૦ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકશે.

(7:38 pm IST)