ગુજરાત
News of Friday, 8th June 2018

નવસારીમાં લગ્નપ્રસંગમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.65 લાખની મતાનો હાથફેરો કર્યો

નવસારી: નવસારીમાં લગ્નપ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ચાંદીના દાગીના મળી કુલ રૃ. ૧.૬૫ લાખની મત્તાનો હાથફેરો કરી ગયા હતા. વિગત મુજબ નવસારી ભેંસતખાડા, રીંગરોડની બાજુમાં હનીન હેરીટેજ એપાર્ટમેન્ટમાં રહેતા સાયરાબાનુ સઇદહુસેન ફતુવાલા (ઉ.વ. ૫૦) ગઇ તા. ૨૫-૪-૧૮ના રોજ પરિવાર સાથે સુરત ખાતે પોતાની બહેનને ત્યાં લગ્નપ્રસંગમાં ગયા હતા. લગ્નપ્રસંગમાં હાજરી આપ્યા બાદ તેમના પતિની તબિયત બગડતા તેઓ સુરત ખાતે જ સારવાર અર્થે રોકાયા હતા. દરમ્યાન તેમના બંધ મકાનને કોઇ જાણભેદુ તસ્કરોએ નિશાન બનાવી દરવાજાને મારેલું તાળું તોડી ઘરમાં પ્રવેશી ગયા હતા. બેડરૃમમાં મુકેલા કબાટનો દરવાજો ખોલી તેમાં મુકેલ તિજોરીના ખાનાની ચાવી વડે તિજોરી ખોલી તેમાંથી અનાજ ભરવાના પીપની ચાવી લઇ પીપ ખોલી તેમાં સ્ટીલનાં ડબ્બામાં મુકેલા સોનાના આઠ તોલા વજનનાં દાગીના તથા ચાંદીના દાગીના કિંમત રૃ. ૫ હજારના મળી કુલ રૃ. ૧.૬૫ લાખની મત્તા પર હાથફેરો કરી ગયા હતા.
 

(6:10 pm IST)