ગુજરાત
News of Friday, 8th June 2018

ગુજરાતમાં છવાઇ જશે અંધારપટ? રાજ્યમાં આગામી દિવસોમાં વીજ કટોકટીના એંધાણ

સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપનીઓને કમાણી કરવાની તક આપી અને પ્રજાને ઉંચા ભાવે વીજળી પધરાવવાનો માર્ગ સરળ કરી આપ્યો : ભૂલ સરકાર કરે અને તેના પરિણામો જનતા ભોગવે

નવી દિલ્હી તા. ૮ : ગુજરાતની જનતાને આગામી દિવસોમાં વીજ કટોકટીનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિ સર્જાઈ છે કોલસાની ઘટ થતાં અને ગુજરાત સરકારના નેતાઓમાં દૂરંદેશીનો અભાવ હોવાથી ગુજરાત સરકારે ગત ઓકટોબરથી પોતાની પાસે રહેલો વધારાનો કોલસો છત્તીસગઢને વેચ્યો.

જેની સામે ૫૦૦ મેગાવોટ વીજળી આપવાનો સોદો કર્યો હતો. સોદા મુજબ યુનિટદીઠ ૨.૮૧ના ભાવે છત્તીસગઢ ગુજરાતને વીજ પૂરવઠો આપવા બંધાયેલું છે. જોકે આ ભાવે વીજળી આપવાનો છત્તીસગઢનો કોઈ ઈરાદો ન હોવાથી માત્ર ૫૦થી ૬૦ મેગાવોટ વીજળી જ આપી રહ્યું છે.

આ તો થઈ છત્તીસગઢ સરકારને કોલસો આપવાની વાત જોકે અસલ ઘાટ તો ત્યાં સર્જાયો છે કે ગુજરાત સરકારને હાલ ઈન્ડિયન એનર્જી એકસચેન્જમાંથી ૩ હજારથી ૩૫૦૦ મેગાવોટ વીજળી ખરીદવી પડે છે. આ સ્થિતિ સર્જાવાના બીજા પણ કેટલાક કારણો છે.

તેમાં સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપનીઓને કમાણી કરવાની તક આપી અને પ્રજાને ઉંચા ભાવે વીજળી પધરાવવાનો માર્ગ સરળ કરી આપ્યો. ભૂલ સરકાર કરે અને તેના પરિણામો જનતા ભોગવે. કોલસાની ઘટ સર્જાતા તેની સીધી અસર થર્મલ પાવર સ્ટેશન પર પડી.

ગુજરાત સ્ટેટ ઈલેકિટ્રસિટી કોર્પોરેશન લિમીટેડને ઉકાઈ ખાતાને યુનિટ નંબર ૬માં વિજળીનું ઉત્પાદન બંધ કરી દેવાની ફરજ પડી. ૩૧મીએ ગુજરાતના પોતાના વીજ ઉત્પાદન પ્લાનટમાંથી ૪ હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન થતું હતું. જે ૭ જૂન સુધી ઘટીને ૨૪૦૦ મેગાવોટ થયું છે. આજે સરકારને ૪.૯૩ યુનિટદીઠ ભાવે ગુજરાતને વીજળીની ખરીદી કરવી પડી રહી છે. ત્યારે પ્રજા પર આવેલા અંધારપટ સંકટ માટે જવાબદાર સરકાર આ મામલે શું પગલા લે છે.

(12:46 pm IST)