ગુજરાત
News of Friday, 8th June 2018

ગુજરાતની સંખ્યાબંધ આર્કિટેકચર કોલેજોને સીટ કાપવા નોટિસો

નાટાના વિવાદ પછી કાઉન્સિલ વધુ એક વખત ચર્ચામાં આવી : જુદી જુદી ખામી બદલ કાઉન્સિલની નોટિસ મળતા દોડધામ

રાજકોટ તા. ૮ : કાઉન્સિલ ઓફ આર્કિટેકચરે ગુજરાતની આર્કિટેકચર કોલેજોને જુદી જુદી ખામી બદલ નોટિસ ફટકારીને સીટ કાપી નાખવાનું જણાવતા ખળભળાટ મચ્યો છે. ઘણા સંચાલકોએ નોટિસ સંદર્ભે દિલ્હીમાં કાઉન્સિલમાં ધામા નાખીને કવેરીને ઉકેલવા અને સીટ નહીં કાપવા કાર્યવાહી શરૂ કરી હોવાનું બહાર આવ્યું છે.

હમણાંથી કાઉન્સિલ ઓફ આર્કિટેકચર ચર્ચાના કેન્દ્રમાં છે. નાટાનો વિવાદ શાંત થયો નથી ત્યાં વધુ એક વિવાદ બહાર આવ્યો છે. આર્કિટેકચરની કોલેજોમાં ઈન્સ્પેકશન દરમિયાન ખામીઓ નજરે પડી હોય તેને આધાર બનાવીને કાઉન્સિલે ગુજરાતની ઘણી આર્કિટેકચર કોલેજોને નોટિસ ફટકારીને સીટ કાપી નાખવા આદેશ કર્યો છે.

એડમિશન પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ સીટ કપાવાનું જોખમ આવતા જ સંચાલકોમાં દોડધામ મચી છે. નિરમા યુનિવર્સિટીના આર્કિટેકચર વિભાગના વડા દિલ્હી કાઉન્સિલમાં રજૂઆત કરવા પહોંચી ગયા છે. બે ફેકલ્ટી નહીં હોવાનું કહીને કાઉન્સિલે દસ સીટ કાપવા કહ્યું હતું. પરંતુ રજૂઆત પછી મામલો ઉકેલાય તેમ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમારા સહિત ગુજરાતની ઘણી કોલેજોને કાઉન્સિલની સીટ કાપવાની નોટિસ મળી છે.

(11:44 am IST)