ગુજરાત
News of Friday, 8th June 2018

જગતાત 'ક્રોધિત' : કોંગ્રેસ - કિસાન સંગઠનોએ 'ધોકો' પછાડયો

દેવામાફી, જણસના ભાવો, સિંચઇ માટે પાણી - વિજળીના પ્રશ્ને ખેડૂત આંદોલનમાં કોંગ્રેસના ત્રણ દિ' ભરચક્ક વિરોધ કાર્યક્રમોઃ કાલે થાળી - વેલણ વગાડી કરશે ઘંટારવ : રવિવારે રસ્તા રોકો, ગામડાબંધનું એલાન : સરકાર મૂકાઇ ભીંસમાં

રાજકોટ તા. ૮ : આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષોએ તથા અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહેલ ખેતીપ્રધાન દેશના ખેડૂતોએ સરકાર સામે ધોકો પછાડયો છે. જગતાત ક્રોધિત નજરે પડે છે. સરકાર મનામણા માટે આકાશ - પાતાળ એક કરી રહી છે અને વિરોધપક્ષો મોકાનો ફાયદો ઉઠાવી ૨૦૧૯માં ભાજપને ભીડવવા મથી રહ્યા છે ત્યારે આજથી ત્રણ દિવસ ખેડૂતોના આંદોલનને લઇને તથા કોંગ્રેસે પણ ત્રણ આ પ્રશ્ને લાગલગાટ વિરોધ કાર્યક્રમો આપતા મામલો ગરમાય છે. સરકાર, પોલીસ, આઇબી તથા તંત્ર શું 'ચિંતન' કરવું તેની મથામણમાં પરોવાઇ છે.

દેશભરમાં ખેડૂત આંદોલન જોર પકડી રહ્યુ છે. ગુજરાતમાં ય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતો રોડ પર ઉતર્યા છે.રોજ શાકભાજી-દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ ખેડૂત આંદોલનને કોંગ્રેસે પણ સમર્થન આપ્યુ છે.

શુક્રવારથી સતત ત્રણ દિવસ સુધી રાજયભરમાં ધરણાં,વિરોધ પ્રદર્શન કરીને ખેડૂતોની સમસ્યા હલ કરવા સરકાર સામે વિરોધનો બુંગિયો ફુંકવામાં આવશે.ખેડૂત આંદોલન વધુ જલદ બને તવા એંધાણ હોઇ ભાજપ સરકારને ફડક પેઠી છે. આજથી ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ પણ જોડાશે.કોંગ્રેસના કાર્યકરો આજે રાજયભરમાં જીલ્લા-તાલુકા મથકે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરશે. ખેત પેદાશોના પોષણક્ષમ ભાવોથી માંડીને સિચાઇ માટે પાણી,વિૃજળી આપવાની માંગ સાથે કોંગ્રેસ ૯મીએ સાંજે ઘંટારવ કાર્યક્રમ યોજશે જેમાં કોંગ્રેસના કાર્યકરો થાળી-વેલણ વગાડીને ભાજપ સરકારને જગાડશે. ખેડૂત આંદોલનને કોંગ્રેસની સાથે ગુજરાત કિસાન સભા સહિતની અન્ય ખેડૂત સંસ્થાઓનો પણ ટેકો મળી રહ્યો છે.૯મી ખેડૂત સંગઠનોએ કિવટ ઇન્ડિયાના દિવસે ખેડૂતોની માંગણી સ્વિકારો અથવા ગાદી છોડોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવા નક્કી કરાયુ છે.

૧૦મીએ ખેડૂતો,કોંગ્રેસ,સીપીએમ સહિતની રાજકીય પાર્ટીઓ ઉપરાંત ખેડૂત સંગઠનો ભેગા મળીને રસ્તા રોકો,ગામડા બંધનુ એલાન આપ્યુ છે જેના પગલે ઠેર ઠેર ઘર્ષણ થવાની સંભાવના છે. આ જોતાં પોલીસ-સરકાર અત્યારથી જ સતર્ક બની છે. સરકારની સૂચનાથી ખેડૂત આગેવાનો,આંદોલનકારીઓ,કોંગ્રેસી નેતાઓ પર આઇબીએ બાજ નજર રાખી છે. ખેડૂતો હવે બુલેટ ટ્રેન ઉપરાંત મુંબઇ-દિલ્હી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હાઇવે પ્રોજેકટનો ભરપૂર વિરોધ કરી રહ્યા છે.

આ પ્રોજેકટ માટે ખેડૂતો હવે જમીન આપવા તૈયાર નથી જે સરકાર માટે મુશ્કેલી સર્જી શકે છે. આમ,આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે ખેડૂતો ઉપરાંત કોંગ્રેસીઓ વિરોધ પ્રદર્શન કરી સરકારને ઘેરશે.

(11:43 am IST)