ગુજરાત
News of Friday, 8th June 2018

કોંગ્રેસની સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું તો તેને વૈચારિક ટેકો તો આપીશઃ હાર્દિક પટેલ

મારા પપ્પા ૧પ લાખ રૂપિયા માટે રોજ ખાતુ ચેક કરે છે

જબલપુર, તા. ૮ : ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુરૂવારે કહ્યું કે તે કોંગ્રેસે બનાવેલી હોસ્પિટલમાં જનમ્યા, તેની જ બનાવેલી શાળામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું એટલે કોંગ્રેસને વૈચારિક સમર્થન આપવાની ના  ન પાડી શકે. હાર્દિકે મધ્યપ્રદેશ સરકારની ખેડૂતોની બદહાલી માટે ટીકા કરી. તેમણે કહ્યું કે તેઓ સતા પરિવર્તન નહીં પણ વ્યવસ્થા પરિવર્તનના ટેકેદાર છે.

પનાગરમાં અખિલ ભારતીય ઓબીસી મહાસભા દ્વારા આયોજીત સભામાં ભાગ લેવા આવેલ હાર્દિકે પત્રકારોને કહ્યું કે સરકાર ધર્મના નામે લોકોને છેતરી રહી છે. ભાજપા નેતાઓ દ્વારા નર્મદા નદીમાં ખૂબ રેલી ચોરી થઇ રહી છે. આ લોકો પર પકડ પગલા લેવાવા જોઇએ ભલે પછી તે ગમે તે પક્ષના હોય.

હાર્દિકે કહ્યું કે રાજય સરકારે ત્રણ દિવસ પહેલા મંદસૌરના એક ૭૦ વર્ષીય ખેડૂતને નોટીસ મોકલી છે જેની ભાષાથી સ્પષ્ટ થાય છે. સરકાર ખેડૂતોને દબાવવા માંગે છે. કૈલાશ વિજય વર્ગીયના ઇશારે શિવરાજસિંહ ચૌહાણની સરકાર ખેડૂતોને છેતરી રહી છે. જોકે આર્થિક અનામતના સવાલનો ગોળગોળ જવાબ આપીને હાર્દિક છટકી ગયા.

યુવા પાટીદાર નેતાએ અનય એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે મારા વિરોધીઓ મને કોંગ્રેસની બી ટીમ રૂપે ગણે છે પણ હું કોઇ પાર્ટીનો સમર્થક કે વિરોધી નથી. નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે મારા પપ્પા પંદર લાખ રૂપિયા માટે રોજ પોતાનું ખાતુ ચેક કરે છે. સંતોને પ્રધાન બનાવવા પર તેણે કટાક્ષ કર્યો હતો.

(11:40 am IST)