ગુજરાત
News of Friday, 8th June 2018

તમારો અભિગમ તમારા જીવનને આકાર આપે છેઃ અમદાવાદીઓને પુજા બેદીઅે આપ્યો તન-મનની તંદુરસ્‍તીનો મંત્ર

અમદાવાદઃ ભૂતપૂર્વ અભિનેત્રી પુજા બેદીઅે અમદાવાદ ખાતે યોજાયેલી વર્કશોપમાં અમદાવાદીઓને જિંદગી જીવવાની વિવિધ ટિપ્સ આપી હતી.

ફીક્કીના મહિલા સંગઠન ફલો, અમદાવાદ દ્વારા બોલીવુડની ભૂતપૂર્વ અભિનેત્રી અને પ્રસિધ્ધ રિલેશનશિપ કટાર લેખીકા પૂજા બેદીએ અમદાવાદ ખાતે 'પર્સનલ ટ્રાન્સફોર્મેશન વર્કશોપ' માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ વર્કશોપનુ સ્વરૂપ આધુનિક મહિલાઓને ગાઈડેડ ઈમેજરી, મેડીટેશન અને વિચાર પ્રક્રિયામાં રિવાયરીંગ દ્વારા ઉંડુ અને સ્થિર આંતરિક પરિવર્તન હાંસલ કરવામાં સહાયરૂપ બને તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. 

એવોર્ડ વિજેતા ટૉક શોના સંચાલક અને રિલેશનશીપ કોલમનીસ્ટ પૂજા બેદી, વ્યાપક અભ્યાસ, સંશોધન, પ્રેક્ટીસ અને વ્યક્તિગત અનુભવના આધારે છેલ્લા થોડાંક વર્ષથી પર્સનલ ટ્રાન્સફોર્મેશન વર્કશોપનું સંચાલન કરી રહ્યા છે. તેમના દ્વારા હિપ્નોથેરાપી, ન્યૂરો-લીગ્વીસ્ટીક પ્રોગ્રામીંગ, રેકી, નવજીવન થેરાપી, કલર થેરાપી, વોટર ટ્રાન્સફોર્મેશન વગેરે વિષયો વર્કશોપ દરમ્યાન આવરી લેવાયા હતા. 

પૂજા બેદીએ શરીર અને આત્માની સ્થિતિ હલ કરવા માટે આ પ્રક્રિયાઓની ભૂમિકા સમજાવી હતી. તેમણે કહ્યું કે "જીવન એ તમને જે કાંઈ થાય છે તેના 10 ટકા છે અને 90 ટકા તમે કઈ રીતે પ્રતિભાવ આપો છો તેની ઉપર આધાર રહે છે. એક સરખી પરિસ્થિતિમાં બે વ્યક્તિઓમાંથી એક પરિસ્થિતિનો ભોગ બને છે, જ્યારે બીજી વ્યક્તિ તેમાં વિજેતા નિવડે છે." જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ તમારો અભિગમ નક્કી કરે છે અને તમારો અભિગમ તમારા જીવનને આકાર આપે છે. 

હું લોકોને બતાવીશ કે તે કેવી રીતે પોતાની મર્યાદાઓને અનલૉક કરી શકે અને તેમને તેમના પરિવર્તન માટે સાધનો આપીશ. જોકે પૂજા બેદીનું માનવું છે કે તંદુરસ્ત શરીર અને મન માટે જીવનશૈલીમાં હકારાત્મક પરિવર્તન લાવવુ ખુબ જ મહત્વનું છે. તો બીજી તરફ દેશમાં મહિલાઓ પર વધતા જતા અત્યાચાર અને બળાત્કારની ફરિયાદોને લઇ પણ પોતાના વિચારો રજુ કર્યા હતા.

(6:23 pm IST)