ગુજરાત
News of Friday, 8th June 2018

ખેડૂતો વિફર્યાઃ સાબરકાંઠા-પ્રાંતીજ હાઇવે પર શાકભાજીના ટ્રકો ઠાલવી દર્શાવ્યો વિરોધ

સાબરકાંઠાઃ સરકાર તરફથી દૂધ-શાકભાજીના પોષણક્ષમ ભાવ ન મળતા દેશભરના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જે અંતર્ગત રાજ્યમાં પણ ઠેર-ઠેર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આજે સાબરકાંઠા-પ્રાંતિજ હાઇવે નંબર 8 પર ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકીને ચક્કાજામ કર્યો હતો. જ્યારે જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા પણ રસ્તા પર શાકભાજી નાંખીને વિરોધ કરવામાં આવ્યો હતો.

સાબરકાંઠા-પ્રાંતિજ હાઇવે નંબર 8 પર ટ્રકોની ટ્રકો શાકભાજી રસ્તા પર ઠાલવીને વિરોધ કરવામાં આવ્યો છે. જેના કારણે ત્યાંથી જતાં વાહન ચાલકોને મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો હતો. આ પ્રદર્શનમાં 3 ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. જૂનાગઢમાં કોંગ્રેસની આગેવાનીમાં કરાયેલ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં હતાં.

કોંગ્રેસના હર્ષદ રિબડીયાએ બીજેપી પર પ્રહાર કરતાં કહ્યું કે, 'સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે.' રસ્તા પર ખેડૂતોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. આ મામલામાં રાજ્યના ખેડૂતો કહી રહ્યાં છે કે તેમને શાકભાજીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં અને બીજી બાજુ સરકાર દાવો કરી રહી છે કે અમે ખેડૂતોને સારા ભાવ આપી રહ્યાં છે.

પહેલા જામનગર રોડ પર પડધરી ચોકડી પાસે પણ ખેડૂતો રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. તેમજ રસ્તા પર બેસી જઈને ભાજપ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. તે દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. ટંકારા કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી ખેડૂતોની હાલત કફોડી થઈ હોવાનું જણાવ્યું હતું.

(6:22 pm IST)