ગુજરાત
News of Saturday, 8th May 2021

વેક્સિન માટે ટીમ આવે છે ત્યારે લોકો ભાગી જાય છે

ગામડાઓમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો : સાંસદ મનસુખ વસાવાએ પણ આ વાતની પુષ્ટી કરી કે નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં ગેરસમજ પ્રસરી છે

રાજપીપળા,તા. : રાજપીપળા શહેર કરતા નર્મદા જિલ્લાનાં ગામડાઓમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. જોકે, નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ગામડાના આદિવસીઓ અભણ અને અશિક્ષિત હોવાને કારણે કોરોના વેક્સિન લેતા ડરે છે તેમ તેઓનું કહેવું છે કે વેક્સિન લઈએ તો મરી જવાય અને હાલ જિલ્લામાં મરણ નું પ્રમાણ પણ ગામડાઓમાં વધ્યું છે ત્યારે ખુદ સાંસદ પણ આદિવસીઓને વેક્સિન લેવા માટે સમજાવે છે. જોકે, અફવાઓનું બજાર એવું છે કે આદિવસીઓમાં અવરનેસના અભાવે મૃત્યુ દરમાં વધારો થતો જાય છે.

ગામડાના વ્યક્તિઓ તેમના કામકાજ માં પોરવાયેલા હતા અમે તેમને પૂછ્યું કે વેક્સિન લીધી કે નહિ ત્યારે તેમના જવાબ ના હતા તેઓ કારણ પણ બતાવી રહ્યા હતા કે 'વેક્સિનને કારણે બીમાર પડાય એટલે વેક્સીન નથી લેતા જોકે તેઓ નું કહેવું છે કે અમને વેક્સિન વિષે કોઈએ સમજ અપાઈ નથી જો સમજ અપાય તો અમે વેક્સિન લઈશું.

 જોકે બાબતે સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે 'અમે સમજાવીએ છે કે વેક્સિન સુરક્ષિત છે અને તેને લઈ લો, બાબતે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે 'નર્મદાના અંતરિયાળ એવા સાગબારા અને ડેડીયાપાડા તાલુકાનાં ગામડાઓમાં અમે જાતે લોકોને સમજાવવા ગયા હતા પરંતુ લોકોમાં મૃત્યુનો ડર પેસી ગયો છે,જ્યારે વેક્સિન મૂકવા ગામડામાં આરોગ્યની ટિમ જાય છે ત્યારે લોકો ઘરે તાળા મારી ભાગી જાય છે એમને સમજાવવા પડશે' ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે.

આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને લોક જાગૃતિની ઉણપના અભાવે જો આવી અને આવી સ્થિતિ રહી તો સ્થિતિ વણસી જવાની શક્યતા છે. જોકે, વિસ્તારના લોકપ્રિય નેતા હોવાના કારણે સાંસદ વસાવા મેદાને છે પરંતુ તેમની અપીલની અસર કેટલી થશે તે તો સમય આવે ખબર પડે પરંતુ હાલમાં જે માહિતી સામે આવી રહી છે તે સરકાર માટે ચોક્કસથી ચિંતાજનક સમાચાર છે.

(8:59 pm IST)