ગુજરાત
News of Saturday, 8th May 2021

કોરોના સંક્રમણ વધતા સાબરકાંઠા જીલ્લાના વડાલી અને તલોદ શહેરમાં લોકડાઉન લંબાવાયુ

સાબરકાંઠા: કોરોનાની સ્થિતિ પારખીને ગુજરાતના અનેક ગામડા અને નાના શહેરો સ્વંયભૂ લોકડાઉન તરફ વળ્યા છે. પરંતુ કોરોનાની સ્થિતિ હજી થાળે ન પડતા, જે ગામડા અને શહેરોમાં સ્વંયભૂ લોકડાઉન રાખવામાં આવ્યું હતું, તેની મર્યાદા વધારી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સાંબરકાંઠા જિલ્લાના 2 શહેરોએ સ્વંયભૂ લોકડાઉન વધારી દીધું છે.

વડાલી શહેર 16 સુધી બંધ

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. વડાલી શહેરમાં 9 મે થી 16 મે સુધી સ્વયંભૂ બંધ લંબાવાયું છે. ફરીથી વડાલી શહેરમાં 7 દિવસનું સ્વયંભુ બંધ લંબાવવાનો નિર્ણય કરાયો છે. સવારે ૬ થી ૧૨ સુધી આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. 2 મે થી ૮ મે સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરાયો હતો. વડાલી તાલુકામાં અત્યાર સુધીમાં સરકારી ચોપડે ૨૧૮ કેસ પોઝિટિવ નોધાયા છે. તો વડાલીના શહેરી વિસ્તારમાં ૮૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૫ કેસ નોંધાયા છે. બીજી તરફ સ્વંયભુ બંધનો ભંગ કરનાર વેપારીઓને દંડ ફટકારવામાં આવશે. પરંતુ શહેરમાં મેડિકલ સેવાઓ ચાલુ રહેશે.

તલોદ શહેર 16 મે સુધી બંધ

તો બીજી તરફ, સાબરકાંઠાના તલોદ ગામમાં પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા નિર્ણય લેવાયો છે. તલોદ સાત દિવસ માટે સ્વયંભુ બંધ રહેશે. 10 મે થી 16 મે સુધી તલોદ સ્વયંભુ બંધ રહેશે. તલોદ તાલુકામાં અત્યાર સુધીમાં સરકારી ચોપડે 575 કેસ પોઝિટિવ નોધાયા છે. શહેરી વિસ્તારમાં ૧૮૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૯૩ કેસ નોંધાયા છે. ત્યારે અહી પણ આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે, દૂધ, દહીંનું વેચાણ સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬ કરી શકાશે. મેડિકલની દુકાન ખુલ્લી રહેશે.

મોરવા હડફમાં પણ લોકડાઉન લંબાવાયું

પંચમહાલના મોરવા હડફમાં વધુ એકવાર સ્વૈચ્છિક બંધની સમય મર્યાદા વધારવામાં આવી છે. આજથી 12 મે સુધી બજારો સંપૂર્ણ પણે બંધ રહેશે. વધતા જતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ લોકલ ટ્રાન્સમીશન અટકાવવા આ નિર્ણય લેવાયો છે. ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરના જાહેરનામા અંગે દુકાનો બંધ રાખવા માટે લાઉડ સ્પીકર દ્વારા સૌને જાણ કરવામાં આવી રહી છે. અગાઉ પણ મોરવા હડફના બજારો ત્રણ દિવસ સુધી વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યું હતું.

(4:45 pm IST)