ગુજરાત
News of Saturday, 8th May 2021

સુરતમાં ૧૩ વર્ષના મ્યુઝીશ્યન ભવ્ય પટેલે પર્ફોમન્સ આપીને કોરોનાના દર્દીઓને માનસિક તનાવમાંથી મુક્ત કર્યા

સુરત: સુરતના યોગીચોક ખાતે આવેલા સરદાર ફાર્મમાં આઈસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં સુરતના 13 વર્ષીય મ્યુઝિશિયન ભવ્ય પટેલે પર્ફોમન્સ કરી દર્દીને માનસિક તણાવમાંથી મુક્ત કર્યા હતા. 13 વર્ષીય આ નન્હે ઉત્સાદ પીપીઈ કીટ સાથે આઈસોલેશન સેન્ટરમાં આવ્યો હતો અને તેણે દર્દીઓને મ્યુઝીક થેરાપી થકી દર્દીઓનો જોશ બમણો કર્યો હતો.

13 વર્ષનો ભવ્ય પહોંચ્યો આઈસોલેશન સેન્ટર

સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને હોસ્પીટલમાં બેડની અછત સર્જાતા વિવિધ સામાજિક સંસ્થો દ્વારા અલગ અલગ વિસ્તારમાં આઈસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. દરમ્યાન સુરતના યોગીચોકમાં આવેલા સરદાર ફાર્મમાં પણ આઈસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં હાલ કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ દર્દીઓ માનસિક તણાવમાંથી મુક્ત થાય તે માટે વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી રહી છે. આ દરમ્યાન સુરતના અડાજણમાં રહેતો ૧૩ વર્ષીય નન્હે ઉત્સાદ ભવ્ય પટેલ અહી આવી પહોચ્યો હતો.

ભવ્યએ દર્દીઓને મ્યૂઝિક થેરાપી આપી

ભવ્ય પટેલ માત્ર 13 વર્ષનો છે, પણ તે મ્યુઝિશિયન છે. તે પીપીઈ કીટ પહેરીને આઈસોલેશન સેન્ટરમાં આવ્યો હતો અને તેણે દર્દીઓને મ્યઝિક થેરાપી આપી હતી. તેણે તબલા અને બેન્ડ સાથે અહી ભજન અને ગીતો પર દર્દીઓને ઝુમાંવ્યા હતા. નન્હે ઉત્સાદનો ઉત્સાહ જોઈ દર્દીઓ પણ ખુશખુશાલ થઇ ગયા હતા. ૧૩ વર્ષના ભવ્ય પટેલે સૌ પ્રથમ અહી માતાજીની આરતી કરી હતી અને બાદમાં તેણે તબલાના તાલથી દર્દીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભવ્યની આ મ્યુઝીક થેરાપીથી દર્દીઓમાં ઉર્જાનો સ્ત્રોત ફેલાયો હતો. એટલું જ નહી ભવ્યના તાલે અહી દર્દીઓ તેઓનું દર્દ ભૂલીને મનમુકીને ગરબે પણ ઘૂમ્યા હતા.

(4:44 pm IST)