ગુજરાત
News of Saturday, 8th May 2021

રાજપીપળામા વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટને જોડતું એરપોર્ટ બને તે પહેલા માટી ખનનમાં કોની કોની સંડોવણી..??

સૂચિત એરપોર્ટની જમીનમાથી લાખો રૂપિયાની માટીની ચોરી છતાં તંત્રનું સૂચક મૌન કેમ: રાજપીપળા એરોડ્રામ વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતની સરકારી માટીની ચોરી: નર્મદા ખાણ ખનીજ વિભાગ કોમામા સરકી ગયું?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વડાપ્રધાન મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દેશ સહિત આખા વિશ્વના પ્રવાસીઓ આવે અને વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇની પ્રતિમા જુએ માટે પ્રવાસીઓને સુગમતા પડે અને ઝડપથી આવી શકાય તેવા હેતુથી રાજપીપળામા એરપોર્ટ કે હવાઈ પટ્ટી બનાવવા માટે ફાળવાયેલી જમીન ઉપર એરપોર્ટ બને એ પહેલાજ માટી માફિયાઓ સક્રિય બનતાં રાતો રાત લાખો રૂપિયાની માટી જેસીબી મશીન વડે ખોદી હાઈવા જેવા વાહનોમા ભરીને ઉલેચી ગયા છે એની ચાડી ઉલકા પિંડ પડી હોય તેવા જાયન્ટ ખાડા સાક્ષી પુરી રહયા છે. સરકારી જમીનમાથી લાખો મેટ્રિક ટન માટી ચોરાઈ જાય અને જીલ્લાનું ખાણ ખનીજ વિભાગ કુંભ કર્ણની નિંદ્રા ઊંઘતું રહે ??? તો એવા લાખો રૂપિયા નો પગાર લેતા અધિકારીઓને શું અંગત ફાયદા માટે જ છે..?? પ્રજાના પરસેવાની કમાણી રૂપે ટેક્ષના પૈસામાંથી લાખો રૂપિયાના પગાર અને સુખ સાહ્યબી મેળવતા આ અધિકારીઓ સામે તપાસ કરી પાણીચુ આપી દેવું જોઈએ તેમ નથી લાગતું..?
એરોડ્રામ તરીકે ઓળખાતો રાજપીપળાના છેવાડાનો કુદરતી વનરાજી ભર્યો વિસ્તાર કે જ્યાં હાલ ત્રણ જેટલા હેલીપેડ તંત્ર તરફથી બનાવવામાં આવ્યા છે રાજકીય નેતાઓ પોતાના હેલિકોપ્ટરો ત્યાં જ ઉતારતા હોય છે હજી થોડા સમય પહેલાં જ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું હેલિકોપ્ટર પણ ત્યાં જ ઊતર્યું હતું. એરોડ્રામ વિસ્તારની કુદરતી ફળદ્રુપ જમીનમાંથી કેટલાક અસામાજિક અને માટી ચોરો રાતોરાત લાખો રૂપિયાની માટી ખોદી ને ચોરી જઈ સરકારી જાહેર મિલકતની લૂંટ ચલાવી છે પરંતુ સરકારના ખાણ ખનીજ વિભાગ કે મામલતદાર વિભાગ કે અન્ય કોઈ સરકારના તંત્રના અધિકારીઓનું આ તરફ ધ્યાન જતું નથી કે અંગત ફાયદા માટે આંખ આડા કાન કરાઈ છે.??
  આ પહેલા પણ જ્યારે ત્રણ હેલિપેડ બનાવવાની કામગીરી કરવામા આવી ત્યારે આ પડતર જમીન ઉપર ઉગી નીકડેલા ઝાડ-પાન ને PWD વિભાગ દ્વારા સાફ કરવામાં આવ્યા ત્યારે પણ વચ્ચે ના ભાગે થી બહુ મોટા ઊંડા ખાડા જોવા મળ્યા હતા, ત્યારે એ ખાડા ઓને આજુબાજુ માંથી માટી લાવી પુરી દેવામાં આવ્યા હતા.
  છતાં ત્યાર બાદ પણ માટી ચોરો જગ્યા બદલી સાઈડમાથી માટી ચોરી જવાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી નેતાઓ ના હેલિકોપ્ટરો ના ઉતરાણ વખતે અહીંયા જિલ્લા ના રેવન્યુ વિભાગ ના કહેવાતા ઉચ્ચ અધિકારીઓ છાસવારે આવતાજ હોય છે ત્યારે કોઈ પણ ઉચ્ચ અધિકારી નું ધ્યાન આ સરકારી માલ મિલકત ની લૂંટ તરફ કેમ નથી જતું?? એ એક ગંભીર સવાલ છે માટે આવી ગંભીર બેદરકારી માં કોની કોની સંડોવણી હશે તેની તટસ્થ તપાસ થાય તે જરૂરી છે.

(1:33 pm IST)