ગુજરાત
News of Saturday, 8th May 2021

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 18+ વયના પૂજનીય સંતોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો...

ગુજરાત રાજયના ૫૧ મા સ્થાપના દિન તા.૧લી મે થી રાજ્યના ૧૮ થી ૪૪ વર્ષની ઉંમરના દરેક યુવાઓને વેક્સિન આપવા અંગેની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જેને લઇને  યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૧૮ થી ૪૪ વર્ષના યુવાનો ખૂબ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. તેમજ એપોઇન્ટમેન્ટ મુજબ વેકસીન લઇ પોતાને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યા છે. યુવાનો રાજ્ય સરકારની ઓનલાઈન રજીસ્ટ્રેશન પદ્ધતિથી ખૂબ જ સંતુષ્ટ જોવા મળ્યા હતા તો બીજી તરફ વેક્સિન લઈ વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા અપીલ પણ કરી હતી.

 મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 18+ વય ધરાવતા પૂજનીય સંતોએ કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે આજે વેક્સિન લીધી હતી. આ સાથે જ તેમણે પાત્ર લોકોને વેક્સિનનો ડોઝ લેવા વિનંતી કરી હતી અને વેક્સિનેશનને વાયરસને હરાવવાના કેટલાક ઉપાયો પૈકીનું એક ગણાવ્યું હતું.

પૂજનીય સંતોએ જણાવ્યું હતું કે, અમે કોરોના વેક્સિનનો આજે પ્રથમ ડોઝ લીધો છે. આ માનવતાવાદી અને પ્રશંસનીય કાર્ય છે કે કેવી રીતે આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ કોરોના સામે વૈશ્વિક લડાઇને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. સંતોએ તમામ હરિભક્તો અને જનતાને વેક્સિન લેવા માટે અપીલ  કરી હતી. વધુમાં સંતોએ

જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરવામાં આવેલી ૧૮ થી ૪૪ વર્ષના યુવાનો માટેની વેક્સિનેશનની પહેલ ખૂબ જ આવકારદાયક છે. અમે અત્યારે વેક્સિન લીધી છે અને અમને તેની કોઈ જ આડઅસર થઈ નથી. આથી લોકો પણ કોઈ જ પ્રકારનો ડર રાખ્યા વગર વેક્સિન લેવા આગળ આવે તે જરૂરી છે. આપણે સૌ સરકારને સાથ સહકાર આપીએ અને વધુમાં વધુ વેક્સિનેશન કરાવી દેશને કોરોના મુક્ત કરવામાં પોતાનું યોગદાન આપીએ. આવો સાથે મળી આપણે ભારત રાષ્ટ્રને કોવિડ-19 મુક્ત કરવામાં યોગદાન આપીએ.

(1:29 pm IST)