ગુજરાત
News of Saturday, 8th May 2021

જીએસટીની કાર્યવાહીમાં જપ્ત કરાયેલી ખાનગી વાહનને છોડાવવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા

અમદાવાદ : દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે વ્યાપાર-ધંધા કુંઠિત થઈ રહ્યો છે તે સમયે પણ સરકાર દ્વારા વેરા સહિતની પઠાણી ઉઘરાણીમાં અધિકારીઓએ જે રીતે જીએસટી વસુલાતમાં વ્યાપારીના ઘરમાં ધામા નાખીને બેસી જાય છે તે અંગે પણ અગાઉ ગુજરાત હાઈકોર્ટે વેરા વિભાગના અધિકારીઓને આકરી ભાષામાં ઠપકો આપ્યો હતો તે વચ્ચે હવે ગુજરાત હાઈકોર્ટ જીએસટી વસુલાતમાં રાજકોટના એક વ્યાપારીની એસયુવી જપ્ત કરવાના કામની ટીકા કરી આ પ્રકારની કામગીરીને ડાકુગીરી, લુટ જ ગણાવી હતી અને એક સપ્તાહમાં એસયુવી પરત આપવા આદેશ આપતા ગુજરાત સરકારે પણ વ્યાપારીનું ખાનગી વાહન મુક્ત કરવા સૂચના આપી છે.

હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથની ખંડપીઠે ગુજરાતમાં જીએસટીની ફલાઈંગ સ્કવોડની કામગીરીની તેના મૌખિક નિરીક્ષણમાં આકરી ટીકા કરી હતી. રાજકોટ અને મોરબીમાં વ્યાપાર કરતા રાકેશ સરસ્વાદીયા નામના એક વ્યાપારીએ હાઈકોર્ટમાં ધા નાખી હતી કે તેમનો માલસામાન ભરેલો ટ્રક તા.16 ફેબ્રુઆરીના રોજ જીએસટીની ફલાઈંગ સ્કવોડે જપ્ત કર્યો હતો અને તેમની અમદાવાદ સ્થિત જીએસટી કચેરીએ હાજર થવા જણાવ્યું હતું. જયાં તમને બે દિવસ અટકમાં રાખવામાં આવ્યા હતા.

જીએસટી અધિકારીઓએ તેમની એસયુવી, સાત મોબાઈલ ફોન અને ત્રણ ડાયરી જપ્ત કરી હતી અને તેમના રાજકોટ, મોરબી નિવાસ તથા કચેરીએ દરોડા પાડયા હતા.
આ વ્યાપારીએ પોતાની એસયુવી તથા મોબાઈલ છોડાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જયારે તેઓએ ટેક્ષ ભરી દેતા ટ્રક છોડી દેવાયો હતો. હાઈકોર્ટ એ એ પણ જણાવ્યું કે આ જપ્તીની કામગીરી જોઈન્ટ કમિશ્ર્નર કક્ષાથી નીચેની રેન્કના અધિકારીએ કરી હતી જેને આ પ્રકારની જપ્તીની કોઈ સતા જ ન હતી અને રાજય સરકારને પૂછયો હતો કે તેઓ આ અધિકારી સામે શું પગલા લેવા માંગે છે. મુખ્ય ન્યાયમૂર્તિએ આ પ્રકારના કૃત્યને ઘાડ, લુંટ જેવી ગણાવી હતી એક તબકકે ન્યાયમૂર્તિએ ઓનલાઈન સુનાવણીમાં ઓડીયો ચેનલ બંધ કરી હતી પણ બાદમાં ઓડીયો ચેનલ ખોલીને સરકારી ધારાશાસ્ત્રીને સંબોધીને કહ્યું કે અમો તમોને એ કહેવા માંગીએ છીએ કે આ લુંટ જ છે.

ન્યાયમૂર્તિ આર.એમ.છાયાએ પણ આ પ્રકારના જ શબ્દો કહ્યા હતા અને તેઓએ કહ્યું કે મુખ્ય ન્યાયમૂર્તિ જે શબ્દોનો ઉપયોગ કરે છે તે ખૂબ જ યોગ્ય છે. મુખ્ય ન્યાયમૂર્તિએ આ કેસમાં જે રીતે જપ્તીની કાર્યવાહી થઈ તેની પ્રક્રિયાની પણ ટીકા કરી હતી. જસ્ટીસે પ્રશ્ર્ન પૂછયો કે કોણ દરોડા પાડી શકે અને કોણ જપ્તીની કાર્યવાહી કરી શકે?
શું કોઈને આ પ્રકારની કાર્યવાહી માટે સતા આપવામાં આવી નથી! આ એક ઘૂસણખોરી જ છે લુંટ છે, ડાકુગીરી જ છે. જો કે રાજય સરકારે તુર્તજ એસયુવી રીલીઝ કરવાની ખાતરી આપી હતી.જે અધિકારી આ કાર્યવાહી સાથે જોડાયેલ છે તેને કોરોનાનું સંક્રમણ લાગ્યુ છે. અદાલતે બે સપ્તાહમાં જવાબ રજુ કરવા આદેશ આપ્યો હતો.

(12:52 pm IST)