ગુજરાત
News of Saturday, 8th May 2021

ખાણીપીણીની લારીઓમાં પાર્સલ સેવા કરવા દેવાની માગ

સરકારે ગરીબ વર્ગના પેટ પર લાત મારી છે : લારી-ગલ્લા પર ગુજરાન ચલાવતા હજારો લોકોને પણ ભૂખે મરવાનો વારો આવ્યો છે

વડોદરા તા. ૮ : કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં સરકારે જાહેર કરેલા 'લોકડાઉનમા' હવે લારીઓ બંધ થઇ ગઇ છે. આ સંજોગોમાં લારી-ગલ્લામાં ફાસ્ટફૂડ વેંચતા લોકોને 'કમસે કમ પાર્સલમાં વેચવા' માટે છૂટ આપવી જોઈએ એવી માગણી ઉઠી છે.

કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને 'મીની લોકડાઉનની' સ્થિતિમાં વેપાર-ધંધા બંધ થતા તેની સાથે બહારગામ આવા જવાનું પણ લોકોએ ઓછું કરતા વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો પરથી ઘણી બસો રદ કરી દેવામાં આવી છે. લારીના ધંધા પણ એ કારણે ઘટ્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે ૧૨મી સુધી લાગુ કરેલા 'મિનિ લોકડાઉન' સામે શહેરમાં ખાણી પાણીની લારીઓ ચલાવનારા હજારો લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.લારી ગલ્લા એસોસિએશને આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને એક આવેદનપત્ર પાઠવીને સરકારની અન્યાયની સામે વિરોધ જતાવ્યો છે. તેમનું કહેવું છે કે હોટલો અને રેસટોરન્ટને પાર્સલ માટે છૂટ આપવામાં આવી છે. બીજી તરફ શહેરની ૧૨ હજાર જેટલી ખાણી-પીણીની લારીઓને પાર્સલ આપવાની છૂટ નથી તેમને લારી ખોલવાની' પણ પરવાનગી નથી. સરકારે ગરીબ વર્ગના પેટ પર લાત મારી છે. લારી ગલ્લા પર ગુજરાન ચલાવતા હજારો લોકોને પણ ભૂખે મરવાનો વારો આવ્યો છે.

બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને બહારથી જમવાનું મંગાવવુ હોય તો હોટલ અને રેસ્ટોરન્ટમાં વધારે પૈસા ચૂકવવા પડે છે. રેસ્ટોરન્ટમાં એક વ્યકિતને ભોજન કે નાસ્તો ઓછામા ઓછો ૧૦૦ રૂપિયાનો પડે છે. વળી, ડીલીવરી કરતી કંપનીઓને પણ વધારે પૈસા વસુલવા માંગે છે આ જ વસ્તુ લારી પરથી લોકોને અડધી કિંમતે મળી શકે છે.

(11:54 am IST)